અમદાવાદ: અષાઢી બીજના દિવસે યોજાયેલી 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, પરંતુ ભગવાનના રથ ખેંચતા ખલાસી ભાઈઓ માટે આ યાત્રા પીડાદાયક બની. રથયાત્રા રૂટ પર ગરમીના કારણે પીગળેલા ડામર પર ખુલ્લા પગે રથ ખેંચતા અંદાજે 150થી 200 ખલાસીઓના પગમાં ગંભીર છાલા પડ્યા.
AMC દ્વારા રથયાત્રા પૂર્વે કરાયેલા પેચવર્કનો ડામર ભારે ગરમીમાં ઓગળી ગયો હતો. પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હોવા છતાં અનેક ખલાસીઓ દાઝી ગયા. હાલ તમામ ઇજાગ્રસ્ત ખલાસીઓ સારવાર હેઠળ છે અને તબીબોના જણાવ્યા મુજબ સંપૂર્ણ સાજા થવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. ખલાસી એસોસિયેશને ઇજાગ્રસ્ત ભાઈઓ માટે વિશેષ મેડિકલ કેમ્પ યોજવાની પણ જાહેરાત કરી છે.