અમદાવાદ, 27 મે: અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ગત વર્ષે 12 જૂને બનેલી અત્યંત કરૂણ પ્લેન ક્રેશની ઘટનાના એક વર્ષ બાદ હવે ત્યાં પુનઃનિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજની સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવે સરકાર દ્વારા વધુ સુવિધાઓ સાથે નવી અત્યાધુનિક હોસ્ટેલ અને નવી મેસ બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
₹105 કરોડનો પ્રોજેક્ટ, ટાટા એરલાઈન્સ ભોગવશે અડધો ખર્ચ
સરકાર દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ ₹105 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. જેમાંથી કુલ ખર્ચના 50 ટકા જેટલી રકમ એટલે કે ₹53.12 કરોડ ટાટા એરલાઈન્સ દ્વારા ચૂકવવામાં આવશે. જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. રાજ્ય સરકારના આ વર્ષના બજેટમાં પણ આ માટે જરૂરી જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી છે.
રેસિડેન્ટ ડોક્ટરો માટે વધારાની સુવિધા
પ્લેન ક્રેશની ઘટનામાં અતુલ્યમ-1 થી અતુલ્યમ-4 હોસ્ટેલ બિલ્ડિંગ પૈકી ત્રણ બિલ્ડિંગોને ભારે નુકસાન થયું હતું. બી.જે. મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચની બેઠકોમાં વધારો થતા હવે કુલ 144 રેસિડેન્ટ ડોક્ટરો માટે વધારાના રૂમોની જરૂરિયાત ઊભી થઈ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત મેઘાણીનગર સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે નવી હોસ્ટેલ બ્લોક, અત્યાધુનિક કેન્ટિન તેમજ નવું સબ સ્ટેશન પણ બનાવવામાં આવશે. સરકારનો દાવો છે કે નવા બાંધકામથી ડોક્ટરો અને વિદ્યાર્થીઓને વધુ આધુનિક અને સુરક્ષિત સુવિધાઓ મળશે.
દુર્ઘટના સ્થળે સ્મારક બનાવવાની માંગ ઉઠી
આ કરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોએ માંગણી કરી છે કે જ્યાં વિમાન તૂટીને પડ્યું હતું તે સ્થળે સ્મારક બનાવવામાં આવે. જોકે, સરકારે તે સ્થળે નવા બાંધકામની મંજૂરી આપતા કેટલાક પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે.
બીજી તરફ સરકાર દ્વારા પણ આ મુદ્દે વિચારણા ચાલી રહી છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જૂની મેસ બિલ્ડિંગના સ્થળે સ્મારક બનાવવામાં આવે અને નવી મેસ બિલ્ડિંગ અન્ય જગ્યાએ ઉભી કરવામાં આવે.