અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનું એક મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ દરમિયાન કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 83.29 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે આ મામલે વિદેશથી આવેલી મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (APIS) મારફતે કરવામાં આવેલા ડેટા એનાલિસિસ અને પ્રોફાઇલિંગના આધારે સુરક્ષા એજન્સીઓને આ કાર્યવાહીમાં સફળતા મળી હતી. ગત 30મી માર્ચ 2026ના રોજ કુઆલાલંપુરથી ફ્લાઇટ નંબર AK 91 દ્વારા અમદાવાદ પહોંચેલી આ મહિલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા, સુરક્ષાકર્મીઓએ તેને ગ્રીન ચેનલ પર જ અટકાવી દીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા અધિકારીઓએ તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવતા અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ મહિલાએ સોનાની દાણચોરી કરવા માટે પોતાના શરીરમાં ગુપ્ત ભાગે બે કેપ્સ્યુલ્સ છુપાવી રાખી હતી. આ કેપ્સ્યુલ્સની અંદર લિક્વિડ કેમિકલ સાથે મિશ્રિત ગોલ્ડ પેસ્ટ ભરેલી હોવાનું ખૂલ્યું હતું. ત્યારબાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સોનાની પેસ્ટને લેબમાં રિફાઇન કરવામાં આવી હતી, જેમાંથી 24 કેરેટનું કુલ 553.07 ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત 83,29,234 રૂપિયા અને ટેરિફ કિંમત 75,58,393 રૂપિયા આંકવામાં આવી છે.
હાલમાં કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરીને મહિલા મુસાફરની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે. વિદેશથી લાવવામાં આવેલું આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરના આ સ્મગલિંગ રેકેટમાં અન્ય કોની સંડોવણી છે, તે દિશામાં એજન્સીઓ દ્વારા ઉંડી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા અને દેખરેખ વધુ કડક બનાવી દેવામાં આવી છે.