અમદાવાદ: 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફના ગણતરીના મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત બની હતી. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત જમીન પર રહેલા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કુલ 260 લોકોના મૃત્યુ સાથે આ દુર્ઘટના દેશના સૌથી કરુણ વિમાન અકસ્માતોમાંની એક બની હતી.
એક વર્ષ બાદ પણ આ દુર્ઘટનાની પીડા ઓછી થઈ નથી. અનેક પરિવારો આજે પણ પોતાના સ્વજનોની યાદોમાં જીવી રહ્યા છે. કોઈનું નવદંપતી જીવન શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ ગયું, કોઈ માતા બનવાના સપના સાથે દુનિયાને અલવિદા કહી ગઈ, તો કોઈ પોતાના પરિવારને મળવા નીકળેલી અંતિમ સફર પર નીકળી પડ્યું.
ધોળકાના કેલિયા વાસણા ગામના વૈભવ પટેલ અને જીનલ પટેલ સીમંતની ખુશીઓ ઉજવીને સાત મહિનાના ગર્ભસ્થ બાળક સાથે લંડન પરત ફરી રહ્યા હતા, પરંતુ દુર્ઘટનાએ ત્રણેયના જીવનનો કરુણ અંત લાવી દીધો. બનાસકાંઠાના કમલેશ ચૌધરી અને ધાપુબેન ચૌધરીના લગ્નને હજુ ચાર મહિના પણ થયા નહોતા, ત્યારે આ દુર્ઘટનાએ તેમના નવા જીવનના તમામ સપનાઓ તોડી નાખ્યા.
ગાંધીનગરના ગૌરવ બ્રહ્મભટ્ટ અને તેમની પત્ની કલ્યાણી બ્રહ્મભટ્ટ પોતાના બે સંતાનોને પાછળ છોડીને લંડન જઈ રહ્યા હતા. એકમાત્ર પુત્ર અને પુત્રવધૂને ગુમાવ્યા બાદ વૃદ્ધ માતા-પિતા અને બે સંતાનો આજે પણ એ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. જ્યારે ઊંઝાના કેતન પટેલ પોતાના પિતાની અંતિમવિધિ પૂર્ણ કરીને માતા સવિતાબેન સાથે લંડન પરત ફરી રહ્યા હતા, પરંતુ નસીબે માતા-પુત્રને પણ પરિવારથી કાયમ માટે દૂર કરી દીધા.
ગઢડાના હાર્દિક અવૈયા અને તેમની ફિયાન્સી વિભૂતિ સગાઈ બાદ ભવિષ્યના સપનાઓ લઈને લંડન પરત ફરી રહ્યા હતા, પરંતુ તેમની સફર અધૂરી રહી ગઈ. ખંભાતના હેમંતભાઈ પંડ્યા અને નેહાબેન પંડ્યા પોતાની દીકરીને મળવા પહેલીવાર લંડન જવા નીકળ્યા હતા, પરંતુ આ મુલાકાત ક્યારેય શક્ય બની નહીં.
વડોદરાની સદિકાબાનુ શેઠવાલા પોતાની અઢી વર્ષની દીકરી ફાતિમા સાથે પરિવારના પ્રસંગ બાદ લંડન પરત ફરી રહી હતી, જ્યારે નેન્સી પટેલ પોતાની નાની દીકરીને પરિવાર પાસે મૂકીને એકલી જ લંડન જવા નીકળી હતી. બંને પરિવારો માટે એરપોર્ટ પરની એ વિદાય અંતિમ સાબિત થઈ. સુરતના અર્જૂન પટોળિયા પત્નીના અવસાન બાદની ધાર્મિક વિધિ પૂર્ણ કરીને લંડન પરત જઈ રહ્યા હતા, પરંતુ થોડા જ દિવસોમાં તેઓ પણ કાયમ માટે દુનિયાને અલવિદા કહી ગયા.
સુરતના અકીલ નાનાબાવા, તેમની પત્ની હાના અને નાની દીકરી સારા બકરી ઈદ નિમિત્તે પરિવારને સરપ્રાઇઝ આપવા ભારત આવ્યા હતા. પરિવાર સાથે ખુશીના દિવસો વિતાવ્યા બાદ તેઓ લંડન પરત ફરી રહ્યા હતા, પરંતુ આ સફર તેમની અંતિમ સફર બની ગઈ. આજે તેમના સ્વજનો પાસે માત્ર યાદો અને તસવીરો જ બચી છે.
આ તમામ ઘટનાઓ માત્ર મૃત્યુના આંકડા નથી, પરંતુ દરેક નામ પાછળ એક પરિવાર, એક સપનું અને એક અધૂરું ભવિષ્ય છુપાયેલું છે. કોઈના લગ્નજીવનની શરૂઆત હતી, કોઈ માતા બનવાની રાહ જોઈ રહ્યું હતું, તો કોઈ વર્ષો બાદ પોતાના પરિવારને મળવા જઈ રહ્યું હતું. 12 જૂન, 2025ની એ દુર્ઘટનાએ 260 લોકોના જીવ લીધા હતા, પરંતુ તેની પીડા આજે પણ હજારો લોકોના હૃદયમાં જીવંત છે. એક વર્ષ બાદ પણ અનેક પરિવારો માટે સમય જાણે 12 જૂનની એ બપોરે જ થંભી ગયો હોય તેવી સ્થિતિ છે.