અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર તપાસની દિશા બદલી નાખી છે. અત્યાર સુધી જેને ફૂડ પોઈઝનિંગનો કિસ્સો માનવામાં આવતો હતો, તેમાં હવે ઊંઘની દવાના કન્ટેન્ટ મળી આવતા મામલો વધુ ગૂંચવાયો છે. પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતો હવે આ ઘટનાને માત્ર અકસ્માત નહીં પણ અન્ય કોઈ ગંભીર પાસા તરીકે જોઈ રહ્યા છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલમાં દાખલ બાળકીઓના માતા-પિતા, વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ પ્રાથમિક રિપોર્ટમાં બંનેના લોહીમાં ઊંઘની દવાના અંશો અથવા તે પ્રકારનું કેમિકલ કન્ટેન્ટ મળી આવ્યું છે. જોકે, પોલીસ હજુ સત્તાવાર રીતે એફએસએલ (FSL) ના ફાઈનલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં આવે તેવી શક્યતા છે. આ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે શરીરમાં આ દવાનું પ્રમાણ કેટલું હતું.
શરૂઆતમાં પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, બહારથી લાવેલા ઢોંસાના ખીરાને કારણે આ દુર્ઘટના ઘટી છે. પરંતુ પોલીસ અને તબીબી નિષ્ણાતોના મતે માત્ર ખીરું ખાવાથી બે બાળકીઓના મોત થાય અને માતા-પિતા ગંભીર હાલતમાં પહોંચી જાય તે વાત ગળે ઉતરે તેવી નથી. બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવા મળતા હવે પોલીસ 'હત્યા કે આત્મહત્યાના પ્રયાસ' જેવી નવી થિયરી પર તપાસ કરી રહી છે. શું પરિવારે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો કે પછી બાળકીઓને કોઈ અગમ્ય કારણોસર દવા આપવામાં આવી હતી, તે દિશામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા અને કેટલીક જગ્યાએ એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે, પોલીસે તપાસના ભાગરૂપે ઘરમાંથી વાસણો જપ્ત કર્યા છે, પરંતુ પીઆઈએ આ વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના 3 તારીખની છે, તેથી વાસણો તો ક્યારનાય ધોવાઈ ગયા હોય, જેના પરથી કોઈ પુરાવા મળવા અત્યારે શક્ય નથી. સીસીટીવી ફૂટેજની તપાસમાં પણ દંપતી સામાન્ય રીતે ખીરું લેવા જતું અને પરત ફરતું જોવા મળ્યું છે, જેમાં કંઈ અજુગતું જણાયું નથી.
હાલમાં પોલીસ વિમલ પ્રજાપતિ અને તેમના પત્નીના નિવેદનો ફરીથી લેવાની તૈયારી કરી રહી છે. ઊંઘની દવા તેમના શરીરમાં કઈ રીતે પહોંચી અને શું તે જ બાળકીઓના મોતનું મુખ્ય કારણ છે, તે સવાલ હવે તપાસના કેન્દ્રસ્થાને છે. એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ આ ગૂંચવાયેલા કેસમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે. માસૂમ મિષ્ટિ અને રાહાના કરુણ મોત પાછળ ખરેખર કોણ જવાબદાર છે, તેની સત્યતા જાણવા અત્યારે સૌ કોઈ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.