Advertisement

અમદાવાદ ભાજપમાં ટિકિટ માટે જંગ: આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, દાવેદારોનો ભારે ધસારો

અમદાવાદ ભાજપમાં ટિકિટ માટે જંગ: આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, દાવેદારોનો ભારે ધસારો

અમદાવાદ:  ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. આજથી એટલે કે 2જી એપ્રિલથી શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ ટિકિટ મેળવવા ઈચ્છુક અનેક દાવેદારો પોતાના સમર્થકો સાથે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.


 નિર્ધારિત કાર્યક્રમ મુજબ, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ખેતી બેન્ક ખાતે સવારે 9:30 વાગ્યાથી સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા અને કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી હતી અને દાવેદારો સાથે વાતચીત કરી પક્ષની શિસ્ત અને પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતા. દરેક વોર્ડમાંથી અનેક દાવેદારોએ પોતાની બાયોડેટા સાથે દાવેદારી નોંધાવી છે.


સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે મુખ્યત્વે જોધપુર, વેજલપુર, સરખેજ, મકતમપુરા, ચાંદલોડિયા, સાબરમતી અને રાણીપ વોર્ડ માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે સાંજ સુધીમાં ચાંદખેડા વોર્ડના દાવેદારો પણ પોતાની દાવેદારી નોંધાવશે. ખાસ કરીને ચાંદલોડિયા અને સાબરમતી જેવા વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા વધુ હોવાથી નિરીક્ષકો માટે પણ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી પડકારજનક બની રહેશે.


આજે સવારથી જ સાયન્સ સિટી રોડ પર આવેલા આર.કે. હોલ અને નારણપુરા સ્થિત ખેતી બેન્ક ખાતે દાવેદારો અને તેમના સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. ચાંદલોડિયા વોર્ડ માટે મોટી સંખ્યામાં પાયાના કાર્યકરોથી લઈને જાણીતા ચહેરાઓએ ટિકિટ માટે દાવેદારી કરી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ રીતે નિરીક્ષકો દરેક દાવેદારની વાત સાંભળી રહ્યા છે, જેનો રિપોર્ટ આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે.

Advertisement