Advertisement

AMCને હાઈકોર્ટનો સણસણતો સવાલ: "શું ટ્રાફિકના નામે ગરીબોની રોજીરોટી છીનવી લેશો?

AMCને હાઈકોર્ટનો સણસણતો સવાલ: "શું ટ્રાફિકના નામે ગરીબોની રોજીરોટી છીનવી લેશો?

અમદાવાદ: ઐતિહાસિક ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળા (સ્ટ્રીટ વેન્ડર્સ)ને હટાવવાના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આકરી ઝાટકણી કાઢી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક જામની દલીલ કરી પાથરણાવાળાને તેમના મૂળ સ્થાને પરત લાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની ખંડપીઠે AMCના આ વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે ટ્રાફિકના બહાને લોકોનો આજીવિકાનો અધિકાર છીનવી શકાય નહીં.


સુનાવણી દરમિયાન AMCના વકીલે એવી રજૂઆત કરી હતી કે હાલમાં (ફેબ્રુઆરી 2026) ભદ્ર વિસ્તારમાં 800થી વધુ પાથરણાવાળાને પરત લાવવામાં આવે તો ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. કોર્પોરેશનનું કહેવું છે કે વેન્ડર્સને 100 મીટર દૂર પ્લોટ-A અને Bમાં વચગાળાની વ્યવસ્થા તરીકે ખસેડવામાં આવ્યા છે. તેની સામે હાઈકોર્ટે ટકોર કરી હતી કે આ પાથરણાવાળા વર્ષ 2019થી ત્યાં કાર્યરત હતા અને AMCએ 2025માં તેમને બળજબરીથી હટાવીને 'સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ'ની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે કોર્પોરેશનની આવી કાર્યવાહીને કારણે ગરીબ શ્રમિકોએ તંત્ર પરથી વિશ્વાસ ગુમાવ્યો છે.


આ કાનૂની વિવાદ વર્ષ 2014થી ચાલી રહ્યો છે, જ્યારે ભદ્ર પુનર્વિકાસ પ્રોજેક્ટ દરમિયાન બેરિકેડિંગને કારણે પાથરણાવાળાની રોજીરોટી પર સંકટ આવ્યું હતું. SEWA જેવા સંગઠનો આ મામલે લાંબી કાનૂની લડત લડી રહ્યા છે. રેકોર્ડ મુજબ, કુલ 844 પાથરણાવાળામાંથી 264 પાસે વેન્ડિંગ પ્રમાણપત્ર છે, જ્યારે 372 સભ્યો પાસે લાયસન્સ છે. હાઈકોર્ટે AMCને તાકીદ કરી છે કે માત્ર ટ્રાફિકની સમસ્યા બતાવીને કાયમી ઉકેલ ટાળી શકાય નહીં. કોર્ટે આદેશ આપ્યો છે કે જો પરિસ્થિતિ બદલાઈ હોય તો નવો સર્વે કરવામાં આવે અને તમામ 844 પાથરણાવાળાને કાયદાના માળખામાં રહીને યોગ્ય રીતે સમાવિષ્ટ કરવા માટે એક નક્કર યોજના તૈયાર કરવામાં આવે.

Advertisement