Advertisement

અખાત્રીજનો પવિત્ર અવસર: ભગવાન જગન્નાથજીને ચંદનનો લેપ, ફૂલોથી શણગારેલા રથોનું શાસ્ત્રોક્ત પૂજન

અખાત્રીજનો પવિત્ર અવસર: ભગવાન જગન્નાથજીને ચંદનનો લેપ, ફૂલોથી શણગારેલા રથોનું શાસ્ત્રોક્ત પૂજન

વિશ્વપ્રસિદ્ધ અષાઢી બીજની રથયાત્રા પૂર્વે  અખાત્રીજના પવિત્ર દિવસે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિરમાં પરંપરાગત 'ચંદનયાત્રા' મહોત્સવની ઉજવણી સાથે ભગવાનના ત્રણેય રથોનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું.


અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરની સામે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથોને વિવિધ રંગબેરંગી ફૂલોથી અત્યંત સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે રથોનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ સાથે જ આગામી રથયાત્રાની તૈયારીઓના શ્રીગણેશ થયા હતા. 


ઉનાળાની અસહ્ય ગરમીથી ભગવાનને શીતળતા આપવા માટે દર વર્ષે અખાત્રીજથી ચંદનયાત્રાનો પ્રારંભ થાય છે. આ વિધિ હેઠળ ભગવાનના વિગ્રહ પર ચંદનનો લેપ કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે આ એક લ્હાવો હોય છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.


 મંદિર પરિસરમાં ભક્તોની ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો  હતો  કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.


નોંધનીય છે કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા 16-7-2026 ના રોજ નીકળશે. અખાત્રીજના આ પૂજન સાથે જ ખલાસી ભાઈઓ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રથયાત્રાના આયોજનને આખરી ઓપ આપવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.




Advertisement