અઝરબૈજાન (Azerbaijan) દેશમાં બંધક બનાવવામાં આવેલા આણંદ જીલ્લાના યુવક-યુવતીને આખરે મુક્ત કરાવી ભારત પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન મહીસાગર' (Operation Mahisagar) અંતર્ગત આણંદ (Anand) જિલ્લાના બે અને પંજાબ (Punjab) ના એક વ્યક્તિને સલામત રીતે છોડાવવામાં આવ્યા છે. આ સમગ્ર મિશનમાં ભારતીય દૂતાવાસ (Indian Embassy) ની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી.
Operation Mahisagar: પરિવારોમાં ખુશીનો માહોલ
આ ઘટનાની વિગતો મુજબ, આણંદના ઝાંખરિયા (Zankhariya) ગામના યુવક ધ્રુવ પટેલ (Dhruv Patel) અને કંથારિયા (Kanthariya) ગામની યુવતી દીપિકા પટેલ (Deepika Patel) અમેરિકા જવાની લાલચમાં અઝરબૈજાનમાં ફસાયા હતા. ત્યાં તેમને અસામાજિક તત્વો દ્વારા બંધક બનાવી દેવામાં આવ્યા હતા. આ સમાચાર મળતા જ તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જોકે, ભારત સરકારના હસ્તક્ષેપ બાદ આ બંને યુવક-યુવતીને સફળતાપૂર્વક પરત લાવવામાં આવ્યા છે. તેમની સાથે પંજાબના એક અન્ય વ્યક્તિને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાયો છે.
સુરક્ષિત રીતે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા
આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ (Mitesh Patel) પોતે આ યુવાનોના પરિવારજનો સાથે વડોદરા એરપોર્ટ (Vadodara Airport) પહોંચ્યા હતા. જ્યારે ધ્રુવ અને દીપિકા એરપોર્ટની બહાર આવ્યા ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. ધ્રુવ પટેલ પોતાના પરિવારને મળતા જ રડી પડ્યો હતો. લાંબા સમયના માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ રહ્યા બાદ માતૃભૂમિ પર પગ મૂકતા જ તેમના ચહેરા પર રાહતની લાગણી જોવા મળી હતી.
સાંસદે સરકારનો આભાર માન્યો
સાંસદ મિતેશભાઈ પટેલે આ સફળ કામગીરી બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendrabhai Modi) અને વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) નો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ભારતીય એજન્સીઓએ ખૂબ જ સમયસૂચકતા વાપરીને આ ઓપરેશન પાર પાડ્યું છે. જે આરોપીઓએ આ યુવાનોનું અપહરણ (Kidnap) કર્યું હતું, તે તમામની ધરપકડ (Arrest) કરી લેવામાં આવી છે." વધુમાં તેમણે યુવાનોને અપીલ કરી હતી કે, વિદેશ જવાની ઘેલચ્છામાં અજાણ્યા એજન્ટોના રસ્તે ફસાવવું જોઈએ નહીં અને હંમેશા કાયદેસરની પ્રક્રિયા જ અપનાવવી જોઈએ.