Advertisement

"ઐતિહાસિક જીતનું ઐતિહાસિક ઈનામ! ચેમ્પિયન ખેલાડીઓ માટે BCCIનું રૂ. 131 કરોડનું 'વર્લ્ડ ક્લાસ' ગિફ્ટ"

"ઐતિહાસિક જીતનું ઐતિહાસિક ઈનામ! ચેમ્પિયન ખેલાડીઓ માટે BCCIનું રૂ. 131 કરોડનું 'વર્લ્ડ ક્લાસ' ગિફ્ટ"

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા પર ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 10 માર્ચ, મંગળવારના રોજ ભારતીય ટીમ માટે ₹131 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ તેમજ પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને ₹125 કરોડનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ વખતે તે રકમમાં ₹6 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.


સતત બીજી વાર ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો


ભારતીય ટીમે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે ભારત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બીજી વાર ટાઈટલ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.


T20 વર્લ્ડ કપમાં સૌથી સફળ ટીમ બન્યું ભારત


આ વિજય સાથે ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 વખત (2007, 2024 અને 2026) આ ટ્રોફી જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે અત્યાર સુધી 2-2 વખત ખિતાબ જીત્યો છે.


BCCIએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ જીત ભારતીય ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ છે.

Advertisement