આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ટેક્નોલોજી ક્ષેત્રમાં નવી સુવિધાઓ જ નથી લાવી રહ્યું, પરંતુ મોટી કંપનીઓના કામકાજ અને રોજગારની પદ્ધતિ પણ બદલી રહ્યું છે. તેનું તાજું ઉદાહરણ વિશ્વના જાણીતા ઓનલાઇન ડિઝાઇન પ્લેટફોર્મ કેનવામાં જોવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટેક કંપની કેનવાએ પોતાના વર્કફોર્સમાં 22 ટકાથી વધુ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના આ નિર્ણયથી ઓછામાં ઓછા 1,271 કર્મચારીઓ પ્રભાવિત થશે. કેટલાક કર્મચારીઓની નોકરી જશે, જ્યારે અન્યની ભૂમિકામાં ફેરફાર કરવામાં આવશે અથવા તેમને અન્ય સ્થળે ખસેડવામાં આવશે.
13 વર્ષના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ નિર્ણય
કેનવાના CEO મેલાની પર્કિન્સે કર્મચારીઓને મોકલેલી આંતરિક નોંધમાં કંપનીની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં પહેલીવાર કંપનીની વૃદ્ધિની ગતિ ધીમી પડી છે.
મેલાની પર્કિન્સે આ નિર્ણયને કેનવાના 13 વર્ષના ઇતિહાસનો સૌથી મુશ્કેલ સમય ગણાવ્યો હતો. તેમના મતે, નવી ટેક્નોલોજી લોકોની કામ કરવાની અને સર્જન કરવાની રીતમાં ઝડપથી પરિવર્તન લાવી રહી છે. આવી સ્થિતિમાં કંપનીને માત્ર નાના ફેરફારો કરવાને બદલે મોટા સ્તરે પુનર્ગઠન કરવાની જરૂર છે.
AIના વધતા ઉપયોગથી કંપનીઓમાં કર્મચારીઓની જરૂરિયાત ઘટી
કેનવામાં થયેલા આ ફેરફાર પાછળ AI ટેક્નોલોજીનું વધતું પ્રભુત્વ એક મોટું કારણ માનવામાં આવે છે. એન્થ્રોપિકના ક્લોડ જેવા AI ટૂલ્સના કારણે લોકો હવે ડિઝાઇન, કન્ટેન્ટ અને અન્ય ડિજિટલ કામ માટે પરંપરાગત સોફ્ટવેર પર ઓછા નિર્ભર બની રહ્યા છે.
AIની મદદથી ઓછા સમયમાં વધુ કામ શક્ય બનતાં કંપનીઓ પોતાના ખર્ચમાં ઘટાડો કરવા અને નાની ટીમો સાથે કામ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
આ ઉપરાંત, રોકાણકારોમાં પણ ચિંતા વધી રહી છે કે AI આધારિત નવા પ્લેટફોર્મ પરંપરાગત સોફ્ટવેર કંપનીઓના બિઝનેસ મોડલને અસર કરી શકે છે.
નાની ટીમો સાથે કામ કરશે કેનવા
કંપનીના પુનર્ગઠન હેઠળ હવે કેનવા નાની અને વધુ કાર્યક્ષમ ટીમો પર ધ્યાન કેન્દ્રિત કરશે. CEO મેલાની પર્કિન્સના જણાવ્યા અનુસાર, કંપનીએ સરળ બિઝનેસ મોડલ અપનાવવાની અને કામકાજની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાની જરૂર છે.
આ સાથે કંપનીમાં વિશેષ પ્રકારની નિષ્ણાતી ધરાવતી કેટલીક અલગ-અલગ ભૂમિકાઓ ઘટાડવામાં આવશે. પ્રોડક્ટ ટીમો માટે સિડની મુખ્ય કેન્દ્ર રહેશે.
કંપનીએ ઓફિસમાં કામ કરવાની નીતિમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરીથી મોટાભાગના હાઇબ્રિડ કર્મચારીઓએ અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ ઓફિસમાં હાજર રહેવું પડશે.
IPO પહેલાં કંપની સામે મોટો પડકાર
કેનવા શેરબજારમાં IPO દ્વારા લિસ્ટિંગ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, આર્થિક વૃદ્ધિની ધીમી ગતિ અને AI ક્ષેત્રમાં વધતી સ્પર્ધા કંપની માટે પડકાર બની રહી છે.
વર્ષ 2021માં કેનવાનું મૂલ્યાંકન આશરે 40 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું. પરંતુ વર્ષ 2022માં ટેકનોલોજી શેરોમાં થયેલી વેચવાલી બાદ તેનું મૂલ્યાંકન ઘટીને લગભગ 26 અબજ ડોલર થઈ ગયું હતું. ત્યારબાદ કંપનીના મૂલ્યમાં સુધારો થયો હતો.
હવે AIના કારણે સોફ્ટવેર ઉદ્યોગમાં થઈ રહેલા પરિવર્તનો વચ્ચે કેનવા પોતાના બિઝનેસને કેવી રીતે મજબૂત બનાવે છે તેના પર રોકાણકારોની નજર રહેશે.
19 વર્ષની ઉંમરે મેલાની પર્કિન્સે શરૂ કરી હતી સફર
કેનવાની સફળતા પાછળ CEO મેલાની પર્કિન્સનો રસપ્રદ સંઘર્ષ અને વિચારશક્તિ છે. વર્ષ 2008માં માત્ર 19 વર્ષની ઉંમરે તેમને લાગ્યું હતું કે પરંપરાગત ડિઝાઇન સોફ્ટવેર શીખવા અને તેનો ઉપયોગ કરવા માટે ઘણો સમય અને મહેનત કરવી પડે છે.
તેમણે ડિઝાઇનિંગની પ્રક્રિયાને સરળ, ઓનલાઇન અને દરેક વ્યક્તિ માટે સુલભ બનાવવાનો વિચાર કર્યો હતો.
આ વિચાર સાથે તેમણે ક્લિફ ઓબ્રેક્ટ સાથે મળીને 'ફ્યુઝન બુક્સ' નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું. ત્યારબાદ વર્ષ 2013માં કેમેરન એડમ્સ પણ તેમની ટીમમાં જોડાયા અને ત્રણેયે મળીને કેનવાની શરૂઆત કરી.
કેનવાનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકો પણ સરળતાથી લોગો, પોસ્ટર, બિઝનેસ કાર્ડ અને અન્ય ડિઝાઇન તૈયાર કરી શકે તેવો હતો. આ પ્લેટફોર્મ પર તૈયાર ટેમ્પલેટ, ફોન્ટ અને ફોટોની મદદથી કોઈપણ વ્યક્તિ સરળતાથી પોતાની ડિઝાઇન બનાવી શકે છે.
શું AI ડિઝાઇનિંગ સોફ્ટવેરનું ભવિષ્ય બદલી નાખશે?
ટેક્નોલોજી ક્ષેત્રમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે AI પરંપરાગત સોફ્ટવેર કંપનીઓ માટે કેટલો મોટો પડકાર બનશે. AI આધારિત ટૂલ્સની મદદથી લોકો ઓછા સમયમાં ડિઝાઇન, વીડિયો અને અન્ય સર્જનાત્મક કામ કરી શકે છે.
આ સ્થિતિને ટેક ઇન્ડસ્ટ્રીમાં 'સોફ્ટવેર કેનિબલાઇઝેશન' તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નવી ટેક્નોલોજી જ જૂના સોફ્ટવેરના બિઝનેસ અને તેની માંગને અસર કરવા લાગે છે.
કેનવા જેવી કંપનીઓ માટે આ મોટો પડકાર છે, કારણ કે જો યુઝર્સ સીધા AI ટૂલ્સની મદદથી પોતાની જરૂરિયાત મુજબની ડિઝાઇન તૈયાર કરવા લાગશે, તો પરંપરાગત ડિઝાઇન પ્લેટફોર્મનો ઉપયોગ ઘટી શકે છે.
એક તરફ AI નવી તકો ઊભી કરી રહ્યું છે, તો બીજી તરફ રોજગાર અને જૂના બિઝનેસ મોડલ સામે પણ સવાલો ઊભા કરી રહ્યું છે. કેનવામાં થયેલું આ પુનર્ગઠન ટેકનોલોજી ઉદ્યોગમાં આવી રહેલા મોટા પરિવર્તનનો સંકેત માનવામાં આવી રહ્યું છે.