દિલ્હીમાં યોજાઈ રહેલા ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ-2026’ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વભરના અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ પણ સમિટની મુલાકાત લઈને અભિભૂત થઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ સમિટની મુલાકાત લીધી હતી, ત્યારે હવે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. તેમણે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી છે, જેનાથી ભારત-યુએઈ વચ્ચે ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ થયો છે.
ભારત-યુએઈ એઆઈ ક્ષેત્રે ક્રાંતિ લાવશે
વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince Khaled bin Mohamed Al Nahyan) સાથે મુલાકાત અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘દિલ્હીમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ફળદાયી ચર્ચા થઈ. અમે એઆઈ, સુપર કોમ્પ્યુટર્સ, ભારતમાં ડેટા સેન્ટર્સમાં રોકાણ અને તેનાથી પણ આગળ વધીને ભવિષ્યના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે વાતચીત કરી.’
PM મોદી-ક્રાઉન પ્રિન્સ વચ્ચે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વડાપ્રધાન મોદી અને યુએઈના ક્રાઉન પ્રિન્સ વચ્ચે થયેલી મુલાકાત અંગે માહિતી આપતા કહ્યું કે, બંને નેતાઓની બેઠકમાં ત્રણ મહત્ત્વની બાબતો અદ્યતન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. જયસ્વાલે કહ્યું કે, ‘ભારત-યુએઈ ગાઢ મિત્રો હોવાની સાથે વિશ્વાસપાત્ર ભાગીદાર પણ છે. બંને દેશો આ ત્રણ મહત્ત્વની બાબતો પર સાથે મળીને કામ કરી રહ્યા છે.’ તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘ક્રાઉન પ્રિન્સનું એઆઈ ઈમ્પેક્ટમાં સ્વાગત છે. બંને દેશો સાથે મળીને એઆઈ ટેકનોલોજીને આગળ વધારી રહ્યા છે.’
વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું ભારતનું AI સમિટ
ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ'માં 20 ફેબ્રુઆરી સુધી ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ-2026’ યોજાઈ રહ્યો છે. વૈશ્વિક દક્ષિણમાં પ્રથમવાર આવું સંમેલન યોજાયું છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બદલાતી અને પ્રભાવશાળી ભૂમિકા પર ચર્ચા કરવાનો છે તેમજ એઆઈના વિકાસને માનવ હિત અને વૈશ્વિક સંતુલન સાથે આગળ વધારવાનો છે. હાલ વિશ્વભરમાં એઆઈનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતમાં એઆઈ વિષય પર યોજાઈ રહેલા આ સમિટે વિશ્વભરને આકર્ષિક કર્યું છે.
સમિટમાં 110થી વધુ દેશો સામેલ
આ સમિટમાં 110થી વધુ દેશો, 30 આંતરરાષ્ટ્રીય સંગઠનો, 20 દેશોના મુખ્ય નેતાઓ અને લગભગ 45 મંત્રીઓએ ભાગ લીધો છે. આ સમિટ માત્ર ટેકનોલોજીના પ્રદર્શન માટે નથી, પરંતુ વિશ્વના તમામ દેશો સાથે મળીને એઆઈ માટે એવા નિયમો અને માળખું તૈયાર કરે જે લાંબા ગાળે સૌના હિતમાં હોય. ભારત અહીં એક સેતુ તરીકે કામ કરી રહ્યું છે જે પશ્ચિમી દેશો અને વિકાસશીલ દેશોને એઆઈના માધ્યમથી જોડે છે.