કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'માં મોટા ફેરફારો કરવાની તૈયારી ચાલી રહી છે. સરકાર સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ સારવારનાં અનામત પેકેજની સંખ્યા વધારવા જઈ રહી છે. અત્યાર સુધી સરકારી હોસ્પિટલોમાં 23 પેકેજ અનામત હતાં, જેને વધારીને 112 કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
આ ફેરફારથી સામાન્ય અને ગંભીર બીમારીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. આ અંગે કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો પાસેથી સૂચનો મંગાવ્યા છે. 25 નવેમ્બર સુધી મળેલા સૂચનો પર આરોગ્ય મંત્રાલય વિચારણા કરી રહ્યું છે. દરખાસ્તમાં આ નવા ફેરફારો 1 ડિસેમ્બરથી લાગુ કરવાની વાત કરવામાં આવી છે.
જોકે, આ યોજના અમલમાં મૂકતા પહેલાં સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે, હોસ્પિટલોમાં બેડ, નિષ્ણાત ડોક્ટરો, ICU અને આધુનિક મેડિકલ સાધનોની અછત હજુ પણ મોટો પડકાર છે.
112 પેકેજમાં કઈ બીમારીઓની સારવાર મળશે?
નવી દરખાસ્ત હેઠળ સામાન્ય બીમારીઓથી લઈને કેટલીક સર્જિકલ પ્રક્રિયાઓને પણ સામેલ કરવામાં આવી છે.
સામાન્ય અને લાંબા સમયથી ચાલતી બીમારીઓ:
ગંભીર એનિમિયા
અનિયંત્રિત અથવા ગંભીર હાઈ બ્લડ પ્રેશર
એક્યુટ બ્રોન્કાઇટિસ
ડાયેરિયા અને ગેસ્ટ્રોએન્ટરાઈટિસ
યુરિન ઇન્ફેક્શન
કિડની સ્ટોનના કારણે થતો દુખાવો
ડાયાબિટિક ફૂટ
રેટિનોપેથી અને ગ્લૂકોમાની તપાસ
સર્જરી અને અન્ય તબીબી પ્રક્રિયાઓ:
હરસ અને ફિશરની સર્જરી
હાઇડ્રોસીલની સારવાર
બાયોપ્સી
સ્તનમાં ગાંઠ દૂર કરવાની પ્રક્રિયા
સિસ્ટ અને લાઇપોમા દૂર કરવા
ગર્ભાશય અને ફાઇબ્રોઇડ સંબંધિત પ્રક્રિયાઓ
આ પેકેજનો હેતુ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ ઓછી થાય અને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં પણ વધુ સારવાર ઉપલબ્ધ બને તેવો છે.
સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓની અછત સૌથી મોટો પડકાર
આયુષ્માન યોજનાના પેકેજ વધારવાની દરખાસ્ત વચ્ચે સરકારી આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
આરોગ્ય મંત્રાલયના 2024-25ના અહેવાલ મુજબ, સ્વ-મૂલ્યાંકન કરનારી 89% સરકારી હોસ્પિટલોમાંથી માત્ર 54% હોસ્પિટલ જ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ (IPHS)ના મૂલ્યાંકનમાં 50%થી વધુ સ્કોર મેળવી શકી હતી. એટલે કે, લગભગ 46% હોસ્પિટલ આ સ્તર સુધી પહોંચી શકી નહોતી.
જોકે, સરકારે આ વર્ષે તમામ હોસ્પિટલોના મૂલ્યાંકન બાદ 64% હોસ્પિટલોએ 50%થી વધુ સ્કોર મેળવ્યો હોવાનો દાવો કર્યો છે.
આ સ્થિતિમાં સવાલ એ છે કે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુવિધાઓ વિના વધારાનાં 89 પેકેજની સારવાર કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
1. હોસ્પિટલોમાં બેડની અછત
જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓ માટે દર 1,000ની વસ્તીએ ઓછામાં ઓછો એક બેડ ઉપલબ્ધ કરાવવાનો ધોરણ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે બે બેડ ઇચ્છનીય ગણાય છે.
પરંતુ અનેક જિલ્લા હોસ્પિટલોમાં બેડની અછતને કારણે દર્દીઓનો ભાર મેડિકલ કોલેજો અને મોટી સરકારી હોસ્પિટલોમાં વધે છે.
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કિડની અને લિવર સંબંધિત બીમારીઓના દર્દીઓ માટે જરૂરી વોર્ડ અને બેડની સુવિધા મર્યાદિત છે. આવી સ્થિતિમાં નવા પેકેજ હેઠળ દર્દીઓની સંખ્યા વધે તો હોસ્પિટલોમાં વધુ દબાણ ઊભું થઈ શકે છે.
2. ક્રિટિકલ કેર અને ICUની સુવિધાઓ અધૂરી
ગંભીર બીમારીઓની સારવાર માટે ICU અને ક્રિટિકલ કેર સુવિધાઓ અત્યંત જરૂરી છે.
અહેવાલમાં જણાવાયેલા આંકડા મુજબ, જિલ્લા હોસ્પિટલોમાં મંજૂર કરવામાં આવેલા 577 ક્રિટિકલ કેર બ્લોકમાંથી માત્ર 6 જ તૈયાર થયા હતા.
દેશમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે. તેની સાથે હૃદય અને શ્વસન સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે. આવા દર્દીઓને સમયસર સારવાર આપવા માટે દરેક જિલ્લામાં મજબૂત ક્રિટિકલ કેર વ્યવસ્થા હોવી જરૂરી છે.
જો ICU અને જરૂરી સાધનો ઉપલબ્ધ નહીં હોય તો નવા સારવાર પેકેજનો સંપૂર્ણ લાભ દર્દીઓ સુધી પહોંચાડવો મુશ્કેલ બની શકે છે.
3. નિષ્ણાત ડોક્ટરોની અછત
112 પેકેજ હેઠળ વિવિધ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવવા માટે કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓન્કોલોજી અને નેફ્રોલોજી જેવા વિભાગોના નિષ્ણાત ડોક્ટરોની જરૂર પડશે.
પરંતુ સરકારી આરોગ્ય વ્યવસ્થામાં નિષ્ણાતોની અછત પહેલેથી જ જોવા મળી રહી છે.
નેશનલ હેલ્થ મિશન (NHM)ના વાર્ષિક અહેવાલ મુજબ, આશરે 3.89 લાખ કર્મચારીઓ કરાર આધારિત વ્યવસ્થામાં કાર્યરત છે. તેમાં નિષ્ણાતોની સંખ્યા આશરે 5,062 હોવાનું જણાવાયું છે. ઉપલબ્ધ આંકડા મુજબ, 1,243 શહેરોમાં માત્ર 374 નિષ્ણાતો કાર્યરત હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં નવા પેકેજનો અમલ કરવા માટે ડોક્ટરોની ભરતી અને નિષ્ણાત સેવાઓનું વિસ્તરણ કરવું જરૂરી બનશે.
4. ખાનગી હોસ્પિટલો પર નિર્ભરતા વધી શકે છે
આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલી કુલ 30,072 હોસ્પિટલોમાંથી આશરે 48% ખાનગી હોસ્પિટલો છે.
બીજી તરફ, ઘણી સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન, MRI, ડાયાલિસિસ અને નિષ્ણાત ડોક્ટરો જેવી સુવિધાઓની અછત જોવા મળે છે.
જો સરકારી હોસ્પિટલોમાં નવા પેકેજ હેઠળ જરૂરી સારવાર ઉપલબ્ધ નહીં હોય તો દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રેફર કરવાની સંખ્યા વધી શકે છે. પરિણામે ખાનગી હોસ્પિટલોના ક્લેમ અને સરકાર પર આર્થિક ભાર વધવાની શક્યતા પણ છે.
નિષ્ણાતનો અભિપ્રાય: યોજના સારી, પરંતુ હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવી જરૂરી
નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC)ના પૂર્વ સલાહકાર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)નાં નિવૃત્ત પ્રોફેસર રિતુ પ્રિયા અનુસાર, આયુષ્માન ભારત યોજનામાં કરવામાં આવી રહેલા ફેરફારોથી દર્દીઓને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલોમાં વધુ સારવાર મળી શકે છે.
જોકે, સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને જરૂરી સાધનોની અછત આ યોજનાના અમલીકરણમાં મોટો અવરોધ બની શકે છે.
તેમના જણાવ્યા અનુસાર, સરકારી હોસ્પિટલોમાં સર્જન, એનેસ્થેશિયોલોજિસ્ટ અને અન્ય નિષ્ણાત ડોક્ટરોની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. કેટલાક અહેવાલોમાં આ ખાલી જગ્યાઓનું પ્રમાણ આશરે 70% હોવાનું જણાવાયું છે.
મોટા શહેરોમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓના આધારે સારવાર સંભાળવી શક્ય બની શકે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરો અને જરૂરી સાધનોની અછત વધુ ગંભીર છે.
તેમણે માનસિક આરોગ્ય સેવાઓની નબળી સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઇમરજન્સી સારવારમાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, સિઝેરિયન ડિલિવરી જેવા ગંભીર કેસમાં દર્દીને બીજી હોસ્પિટલમાં રેફર કરવાની પ્રક્રિયામાં વિલંબ થાય તો માતા અને બાળક બંનેના જીવને જોખમ થઈ શકે છે.
તેથી નવા પેકેજ લાગુ કરવાની સાથે શરૂઆતના તબક્કામાં નિયમોમાં જરૂરી છૂટછાટ આપવા અને ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે.
હવે સરકાર સામે બેવડો પડકાર
આયુષ્માન ભારત યોજનામાં સારવારનાં પેકેજ 23થી વધારીને 112 કરવાની પહેલથી લાખો લોકોને સરકારી હોસ્પિટલોમાં વધુ સારવારની સુવિધા મળવાની શક્યતા છે.
પરંતુ માત્ર પેકેજની સંખ્યા વધારવાથી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો નહીં આવે. તેના માટે હોસ્પિટલોમાં બેડ, ICU, આધુનિક સાધનો અને નિષ્ણાત ડોક્ટરોની ઉપલબ્ધતા પણ વધારવી પડશે.
હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર રાજ્યોનાં સૂચનોને ધ્યાનમાં રાખીને આ દરખાસ્તનો અમલ કેવી રીતે કરે છે અને સરકારી આરોગ્ય વ્યવસ્થાને નવા પેકેજનો ભાર સંભાળવા માટે કેટલી તૈયાર કરે છે.