નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સેનાના અદભૂત પરાક્રમ અને અડગ દેશભક્તિને નમન કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવુક અને શક્તિશાળી પોસ્ટ દ્વારા પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, આતંકવાદ અને તેને પોષનારા સમગ્ર તંત્રને જડમૂળથી ખતમ કરવા માટે ભારત પોતાના સંકલ્પ પર આજે પણ એટલું જ અડગ છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, ગત વર્ષે આ ઓપરેશન દરમિયાન આપણી સેનાએ જે સાહસ, શૌર્ય અને ચોકસાઈ બતાવી હતી, તેણે સમગ્ર વિશ્વને ભારતની સુરક્ષા શક્તિ અને સંકલ્પ શક્તિનો પરિચય કરાવ્યો હતો. તેમણે આ વિજયને ભારતીય સેનાની વ્યવસાયિક ક્ષમતા અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાનું જીવંત પ્રતીક ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. દેશમાં વ્યાપેલા આક્રોશ વચ્ચે ભારતીય સેનાએ ૬ અને ૭ મે (૨૦૨૫) દરમિયાન સરહદ પાર છુપાયેલા આતંકીઓ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ અત્યંત ગુપ્ત અને ચોકસાઈપૂર્વકની સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનની અંદર છુપાયેલા અનેક આતંકીઓને ઠાર મારીને પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
સંસ્કૃત સુભાષિત દ્વારા સૈનિકોનું સન્માન
આ ખાસ પ્રસંગે વડાપ્રધાને એક પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિત શેર કરીને સૈનિકોનું મનોબળ વધાર્યું હતું:
‘ઉદીર્ણમનસો યોધા વાહનાનિ ચ ભારત। યસ્યાં ભવન્તિ સેનાયાં ધ્રુવં તસ્યાં જયં વદેત્॥’
અર્થાત્, જે સેનામાં યોદ્ધાઓ ઉત્સાહી અને ઉચ્ચ મનોબળ ધરાવતા હોય તથા જેની પાસે શ્રેષ્ઠ યુદ્ધ સાધનો હોય, વિજય હંમેશા તેનો જ થાય છે. પીએમ મોદીએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધ ભારતની પ્રતિક્રિયા હંમેશા મક્કમ રહેશે અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.