આંકલાવ તાલુકાના આસોદર રેલવે બ્રિજ પાસે ભાઈ સહિતના પરિવાર સાથે ધાર્મિક દર્શનની સામુહિક ટુરમાં નીકળેલી ઉત્તરપ્રદેશની મહિલાનું રોડ ક્રોસ કરતી વેળાએ અજાણી કારની અડફેટે મોત નીપજ્યું હતું. મહિલા ચ્હા પીને પરત ફરી રહી હતી, તે વેળા રોડ ક્રોસ કરતા ઘટના બની હતી. આ મામલે આંકલાવ પોલીસે હીટ એન્ડ રન કરનારા અજાણ્યા કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશમાં રહેતા 72 વર્ષીય સીતારામ વલીરાજ યાદવ તેમના પત્ની ચંદાવતીદેવી અને બહેન ગુજરાતીદેવી યાદવ સહિતના અન્ય પરિવારજનો, મિત્રો સાથે ટ્રાવેલ્સમાં 45 દિવસની સામુહિક ધાર્મિક દર્શનની યાત્રામાં નીકળ્યા હતા. જેમાં તેઓ દ્વારા ભારતના મંદિરોના દર્શન કરવામાં આવતા હતા. દરમિયાન, ગત 3 ફેબ્રુઆરીએ સવારે તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા હતા. જ્યાં તેમને સાંજે સાડા ચાર વાગ્યે સોમનાથ તથા દ્વારકા મંદિરના દર્શન કરવાના હોય જમવા બનાવવા સારૂં તેઓએ તેમની લક્ઝરી બસ વાસદ-બગોદરા હાઈવે રોડ સ્થિત આસોદર રેલવે બ્રિજ નજીક ફાર્મ પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ઉભી રાખી હતી.
બધા મુસાફરો નીચે ઉતર્યા બાદ ફ્રેશ થવા લાગ્યા હતા. જેમાં સીતારામના બહેન ગુજરાતીદેવીને ચ્હા પીવાની ઈચ્છા થતાં તેઓ રોડ ક્રોસ કરીને સામે પાર ગયા હતા. જ્યાં તેઓ ચ્હા પીને થોડી જ વારમાં પરત ફર્યા હતા. તેઓ રોડ ઓળંગી રહ્યા હતા ત્યારે જ પુરપાટ ઝડપે આવી ચઢેલી એક કારે સીતારામની બહેનને અડફેટે લીધા હતા. આ બનાવ બાદ કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે આંકલાવ અને એ પછી વધુ સારવાર અર્થે ગોત્રી ખાતે લઈ જવાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે આંકલાવ પોલીસે ફરાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.