ગુવાહાટી: આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ આજે હિમંતા બિસ્વા સરમાએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે. ગુવાહાટીમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ હિમંતા બિસ્વા સરમા આસામના ઈતિહાસમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બની ગયા છે. આસામમાં NDA સરકારનો આ સતત ત્રીજો કાર્યકાળ છે.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સહિત ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. હિમંતા બિસ્વા સરમાની સાથે અજંતા નિયોગ, અતુલ બોરા અને રામેશ્વર તેલી જેવા દિગ્ગજ નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા, જે આગામી પાંચ વર્ષ સુધી આસામના વિકાસની ધુરા સંભાળશે.
હિમંતા બિસ્વા સરમાનો રાજકીય પ્રવાસ અત્યંત રસપ્રદ રહ્યો છે. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી પીએચડી કરનાર અને હાઈકોર્ટમાં વકીલાત કરી ચૂકેલા સરમાએ પોતાની કારકિર્દીની શરૂઆત છાત્ર રાજનીતિથી કરી હતી. 2001થી જાલુકબારી બેઠક પર અજેય રહેલા સરમા 2015માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. પૂર્વોત્તરમાં ભાજપને મજબૂત કરવા માટે તેમણે 'NEDA' ના સંયોજક તરીકે પ્રાદેશિક પક્ષોને સાથે જોડીને 'ભગવો' લહેરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જેના કારણે આજે તેઓ પૂર્વોત્તરમાં ભાજપના સૌથી કદાવર નેતા અને રણનીતિકાર તરીકે ઉભરી આવ્યા છે.