દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે, કારણ કે આમ આદમી પાર્ટી (AAP)ના અગ્રણી નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ અન્ય 6 સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવાની જાહેરાત કરી છે. શુક્રવારે ચઢ્ઢાએ સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે મુલાકાત કરી હતી, જેને રાજકીય રીતે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે।
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક મહત્વપૂર્ણ ટેકનિકલ અડચણ પણ સામે આવી છે. રાઘવ ચઢ્ઢાનો દાવો છે કે AAPના રાજ્યસભાના કુલ 10 સાંસદોમાંથી 7 સાંસદો તેમની સાથે છે, જે બે તૃતીયાંશનો આંક પૂર્ણ કરે છે. તેમણે તમામ 7 સાંસદોની સહી સાથેનો પત્ર રાજ્યસભાના સભાપતિને સોંપ્યો છે. જોકે, પક્ષાંતર વિરોધી કાયદા મુજબ, જ્યાં સુધી સભાપતિ દ્વારા આ વિલયને સત્તાવાર મંજૂરી આપવામાં ન આવે, ત્યાં સુધી આ સાંસદોને ભાજપના સભ્ય તરીકે માન્યતા મળશે નહીં।
જોકે 7 સાંસદોના ભાજપમાં જોડાવાની વાત થઈ રહી છે, પરંતુ મીડિયા સમક્ષ માત્ર 3 સાંસદો જ હાજર રહ્યા હતા. બાકીના સાંસદોમાં સ્વાતિ માલીવાલ ઉત્તર-પૂર્વ ભારત પ્રવાસે હોવાનું જણાવાયું છે, જ્યારે હરભજન સિંહ IPL 2026માં વ્યસ્ત છે. રાજેન્દ્ર ગુપ્તા વિદેશમાં સારવાર હેઠળ હોવાનું કહેવામાં આવ્યું છે અને વિક્રમજીત સાહની તબિયત નાદુરસ્ત હોવાના કારણે જાહેરમાં આવવાનું ટાળી રહ્યા છે।
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ AAP પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પાર્ટી પોતાના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. તેમણે કહ્યું કે,
“જે પાર્ટીને મેં લોહી-પરસેવાથી બનાવી હતી, તે હવે બદલાઈ ગઈ છે. મને લાગ્યું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. હવે હું જનહિત માટે ભાજપ સાથે કામ કરીશ.”