Advertisement

AAPમાં ભડકો: રાઘવ ચઢ્ઢા પક્ષના નિશાન પર, રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા; શું ભાજપમાં જોડાશે?

AAPમાં ભડકો: રાઘવ ચઢ્ઢા પક્ષના નિશાન પર, રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા; શું ભાજપમાં જોડાશે?

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને યુવા નેતા રાઘવ ચઢ્ઢા હાલમાં પોતાની જ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક સમયે અરવિંદ કેજરીવાલના અત્યંત નજીકના ગણાતા 37 વર્ષીય રાઘવ ચઢ્ઢાને પાર્ટીએ રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવી દીધા છે. એટલું જ નહીં, સંસદમાં તેમની બોલવાની શક્તિ પર પણ કાપ મૂકવામાં આવ્યો છે. રાઘવ ચઢ્ઢાના સ્થાને હવે પંજાબના ઉદ્યોગપતિ અશોક મિત્તલની રાજ્યસભામાં ઉપનેતા તરીકે વરણી કરવામાં આવી છે.


 પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે રાઘવ ચઢ્ઢા પર ગંભીર આરોપો લગાવ્યા છે. આતિશીએ દાવો કર્યો હતો કે જ્યારે INDIA ગઠબંધન મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢાએ હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાઘવ ભાજપ અને પીએમ મોદીથી ડરી રહ્યા છે. બીજી તરફ, સૌરભ ભારદ્વાજે કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે દેશ ગંભીર સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે રાઘવ એરપોર્ટ પર સમોસાની કિંમત જેવા સામાન્ય મુદ્દાઓ પર PR કરવામાં વ્યસ્ત છે.


 રાઘવ વિરુદ્ધ આ નારાજગી 2024થી ચાલી રહી છે, જ્યારે કેજરીવાલની ધરપકડ સમયે તેઓ આંખના ઓપરેશન માટે લંડનમાં હતા. આતિશીએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કાર્યકરો લાઠીઓ ખાતા હતા ત્યારે રાઘવ જેલના ડરથી લંડનમાં છુપાયેલા હતા. 2022માં પંજાબની જીત બાદ 'સુપર સીએમ' ગણાતા રાઘવનું કદ 2025ની દિલ્હી ચૂંટણીમાં હાર બાદ સતત ઘટતું ગયું છે. માર્ચ 2026માં જંતર-મંતરની રેલીમાં તેમની ગેરહાજરીએ વિવાદમાં ઘી હોમ્યું હતું.


 પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, "જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો નથી અને મારા મૌનને હાર માનવી જોઈએ નહીં." જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે શું રાઘવ ચઢ્ઢા આગામી સમયમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે? પંજાબના સીએમ ભગવંત માને તેમને 'કોમ્પ્રોમાઈઝ્ડ' ગણાવ્યા છે, જ્યારે ભાજપે આ મામલે કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું છે કે તેઓ લોકોનો ઉપયોગ કરીને ફેંકી દેવામાં માને છે.

Advertisement