Advertisement

આણંદની ઉમરેઠ બેઠક પર કોંગ્રેસનો દાવ: ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ

આણંદની ઉમરેઠ બેઠક પર કોંગ્રેસનો દાવ: ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ

આણંદ જિલ્લામાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. આગામી 23 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર હોવાથી તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વચ્ચે શુક્રવાર (3 એપ્રિલ, 2026) ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા ઉમરેઠ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.


કોંગ્રેસે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા તેમની ઉમેદવારીને મંજૂરી આપવામાં આવી છે. આ અંગેની સત્તાવાર માહિતી કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આપવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ બેઠક આણંદ જિલ્લાની મહત્વપૂર્ણ રાજકીય બેઠક માનવામાં આવે છે. કોંગ્રેસે સ્થાનિક પ્રભાવ ધરાવતા ચહેરાને મેદાને ઉતારીને ચૂંટણીમાં જીત મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ઉમેદવારના નામની જાહેરાત થતાં જ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આગામી દિવસોમાં ઉમરેઠ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


પેટા ચૂંટણી માટેનું મહત્વપૂર્ણ સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. ગેઝેટ નોટિફિકેશન 30 માર્ચ, 2026ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ, 2026 છે, જ્યારે ઉમેદવારીની ચકાસણી 7 એપ્રિલ, 2026ના રોજ કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ, 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 23 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે અને ચૂંટણીના પરિણામોની ગણતરી 4 મે, 2026ના રોજ જાહેર કરવામાં આવશે.


Advertisement