આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગ્રામ્ય રાજકારણમાં અત્યારથી જ હલચલ શરૂ થઈ ગઈ છે. જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની શક્યતા વચ્ચે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ચૂંટણીના પ્રથમ તબક્કા તરીકે મતદાર યાદી સુધારણા અને પ્રસિદ્ધિનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, સરપંચપદ માટેનું અંતિમ અનામત રોસ્ટર હજુ જાહેર ન થતાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
જિલ્લા ચૂંટણી વિભાગના જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર આગામી 17મીએ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ 23મીએ મતદાર યાદી અંગે હક્ક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. 25મીએ મળેલી અરજીઓની ચકાસણી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને અંતે 27મીએ આખરી મતદાર યાદી જાહેર કરાશે. મતદાર યાદી પ્રસિદ્ધ થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે.
સરપંચપદના રોસ્ટર વિના ઉમેદવારો મૂંઝવણમાં
ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચા સરપંચપદના અનામત રોસ્ટરને લઈને થઈ રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા રોસ્ટર પર સહી કરવામાં આવી ન હોવાથી તેની સત્તાવાર જાહેરાત બાકી હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે કઈ ગ્રામ પંચાયતની સરપંચ બેઠક અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી કે સામાન્ય વર્ગ માટે અનામત રહેશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. આ ઉપરાંત મહિલા અનામતની સ્થિતિ પણ જાહેર થવાની બાકી છે.
બેઠકનું અનામત વર્ગીકરણ સ્પષ્ટ ન હોવાથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા સંભવિત ઉમેદવારો હાલ ખુલ્લેઆમ પ્રચાર શરૂ કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. જો છેલ્લી ઘડીએ બેઠકની કેટેગરી બદલાય તો અત્યાર સુધી કરેલી ચૂંટણીલક્ષી તૈયારીઓ પર અસર પડી શકે છે. આથી ઉમેદવારો સમર્થકો સાથે બેઠકો યોજવા અને પ્રચાર પાછળ ખર્ચ કરવા અંગે પણ સાવચેતી રાખી રહ્યા છે.
રોસ્ટર જાહેર થતાં જ ગ્રામ્ય રાજકારણમાં તેજી આવશે
આણંદ જિલ્લાની 187 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને લઈને અનેક સ્થાનિક આગેવાનો અને સંભવિત ઉમેદવારો સક્રિય બન્યા છે. જોકે, સરપંચપદનું રોસ્ટર જાહેર થયા બાદ જ ચૂંટણી લડવા માટેનું ચિત્ર સ્પષ્ટ બનશે. બીજી તરફ મતદાર યાદીની પ્રક્રિયા પણ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે.
હવે સૌની નજર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રોસ્ટરની સત્તાવાર જાહેરાત પર છે. રોસ્ટર જાહેર થતાં જ કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે અને ગ્રામ પંચાયતોમાં કયા રાજકીય સમીકરણો રચાશે તે અંગેની સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.