આણંદ: આજના ડિજિટલ યુગમાં વાંચનથી લોકો દૂર જઈ રહ્યા છે ત્યારે આણંદ શહેરમાં વાંચનની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા એક અલગ પહેલ સાથે કાર્યરત આણંદ સાયલન્ટ બુક ક્લબ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર તરફથી પ્રશંસાપત્ર મોકલી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા પત્રમાં વાંચનને જ્ઞાન પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ ગણાવી, વાંચનને સમાજમાં શાંતિ, વિચારશીલતા અને માનસિક વિકાસ માટેનું મુખ્ય અંગ ગણવામાં આવ્યું છે. વધુમાં આ શુભેરછા પત્રમાં યુવા પેઢીને વાંચન આદત માટે પ્રેરિત કરતા શરૂ કરવામાં આવેલી આ મહત્વપૂર્ણ પહેલની પ્રશંસા કરવામાં આવી છે.
આણંદ સાયલન્ટ બુક ક્લબ દ્વારા દર અઠવાડિયે શરૂ કરવામાં આવેલ આ વાંચન કાર્યક્રમમાં દરેક વયના લોકો પોતાને મનગમતા પુસ્તકો સાથે લાવી આ વાંચન કલબમાં જોડાય છે અને શાંત વાતાવરણ વચ્ચે વાંચનનો આનંદ માણે છે. આ ક્લબનો હેતુ વાંચનને આનંદદાયક રીતે રોજીંદા જીવનમાં કેળવી એક સામૂહિક પ્રવૃત્તિ તરીકે વિકસાવી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો છે.
આ અવસરે ક્લબના સંચાલક કુશભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલ આ પ્રશંસા તેઓના માટે ગૌરવની બાબત છે. આ પ્રશંસા માત્ર કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ તેમના કલબમાં જોડાનાર દરેક વાચકની છે. છેલ્લા પાંચ મહિનાથી આણંદ સાયલન્ટ બુક ક્લબ દ્વારા દર રવિવારે નિયમિત રીતે અલગ અલગ જગ્યાએ વાંચન માટેનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંદાજે ૫૦ થી ૯૦ વાચકો નિયમિત રીતે આ કલબમાં જોડાય છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે કે આજે ક્લબ સાથે ૧,૦૦૦થી વધુ વાંચકો વોટ્સએપ દ્વારા જોડાયેલા છે જે ખરેખર આનંદની વાત છે. આ વિશેષ શરૂઆત માટેનો હેતુ જણાવતા તેઓ કહે છે કે એક શાંત વાતાવરણમાં વધુમાં વધુ લોકો વાંચન સાથે જોડાય તે આ ક્લબનો મુખ્ય હેતુ છે. મુખ્યમંત્રી એ મોકલેલ પ્રશંસા પત્ર દ્વારા તેઓના કલબને અને આ પ્રવૃતિને નવી ઉર્જા મળશે, જેના દ્વારા નજીકના ભવિષ્યમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સાથે યુવાનો અને વધુ નાગરિકોને વાંચન સાથે જોડવા માટે તેઓ વધુ પ્રયત્નો કરશે.
આ સફરમાં સહયોગ આપનાર તમામ વાચકોનો દિલથી આભાર વ્યક્ત કરતા કુશભાઈ વાંચનમાં રસ ધરાવતા નાગરિકોને આણંદ સાયલન્ટ બુક ક્લબ સાથે જોડાવા માટે આમંત્રિત કરે છે.
આણંદ સાયલન્ટ બુક ક્લબ વિશે વધુ માહિતી માટે શ્રી કુશ પટેલને તેમના મોબાઇલ નંબર ૯૮૨૫૦ ૭૭૯૨૮ દ્વારા અને તેમના ઇમેલ એડ્રેસ anandsilentbookclub@gmail.com પર સંપર્ક કરી શકાય છે.