Advertisement

આણંદના ઉત્સવ ભૂમિ અક્ષર ફાર્મમાં પાંચ દિવસીય શ્રી હરિ પર્વનો ભવ્ય પ્રારંભ

આણંદના ઉત્સવ ભૂમિ અક્ષર ફાર્મમાં પાંચ દિવસીય શ્રી હરિ પર્વનો ભવ્ય પ્રારંભ

પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય ઉત્સવના ઉપક્રમે આણંદના ઉત્સવ ભૂમિ અક્ષર ફાર્મ ખાતે પાંચ દિવસીય શ્રી હરિ પર્વનો અભૂતપૂર્વ પ્રારંભ થયો છે. ઉત્સવના પ્રથમ દિવસે અક્ષર ફાર્મમાં વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રજીનું સનાતન ધર્મના મૂર્ધન્ય સંતો-મહંતો દ્વારા ભક્તિભાવથી પૂજન કરવામાં આવ્યું અને સમૂહ આરતી ઉતારી દેવાઈ હતી.


આ પ્રસંગે વન્ય કુટિરોમાં બિરાજમાન ભગવાન સમક્ષ વિરાટ જળકુંડમાં તરતા હજારો દીવડાઓએ અનોખી આભા સર્જી હતી, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત પ્રદર્શનમાં શ્રી નીલકંઠ વર્ણીના સમગ્ર ભારતના વિચરણની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેને નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આજના પ્રથમ દિવસે “Ancient Scriptures and Modern Inspiration” ના કેન્દ્રીય વિચાર સાથે વિદ્વાન વક્તા પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી દ્વારા કથામૃતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત મૂલ્યોની આજના સમયમાં ઉપયોગિતા અને આધ્યાત્મિક મહત્વનું સુંદર વર્ણન કર્યું હતું.


આગામી પાંચ દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણના જીવન આધારિત કથામૃતનો લાભ ભક્તોને મળશે. દરરોજ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી દ્વારા કથા પારાયણ કરવામાં આવશે. તારીખ 28ના રોજ સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન પારાયણની પૂર્ણાહુતિ થશે. આ કાર્યક્રમમાં લાભ લેવા માટે પૂજ્ય ભગવચરણ સ્વામી તથા કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીએ સૌને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.

Advertisement