આણંદ : આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી પશ્ચિમ બંગાળના જલપાઈગૂડી જિલ્લાના ધૂપગીરી ગામની 10 વર્ષની બાળકી તેના પરિવાર પાસે હેમખેમ પહોંચી શકી છે.
વાત એમ છે કે આણંદ રેલ્વે સ્ટેશન પર ગત 06 એપ્રિલના રોજ રેલ્વે ચાઇલ્ડ લાઇનને એક 10 વર્ષની બાળકી બિનવારસી હાલતમાં રાત્રે 1-00 કલાકે મળી આવી હતી, જેને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, આણંદમાં ખસેડવામાં આવી હતી. શરૂઆતમાં ગભરાયેલી આ બાળકીને સેન્ટરના નિષ્ણાતો દ્વારા સાંત્વના આપીને સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે બાળકીએ પોતાના વતનનું સરનામું આપ્યું હતું.
બાળકી સાથેની વાતચીતમાં સામે આવ્યું હતું કે તે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી ગઈ હતી અને આણંદ રેલ્વે સ્ટેશને ઉતરી હતી. આ અંગે આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમિતિ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી પશ્ચિમ બંગાળના પોલીસ તંત્ર, બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમિતિ અને બાળકીના વાલીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. દીકરી સુરક્ષિત હોવાની જાણ થતા જ તેના માતા આણંદ દોડી આવ્યા હતા. વહીવટી પ્રક્રિયા અને જરૂરી ખરાઈ પૂર્ણ કર્યા બાદ, 06 મેના રોજ આ 10 વર્ષની દીકરીને તેની માતાને સોંપવામાં આવી હતી. એક મહિનાના લાંબા વિરહ બાદ માતા-પુત્રીનું હૃદયસ્પર્શી મિલન થતા હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
સખી વન સ્ટોપ સેન્ટરની આ સરાહનીય કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વહીવટી તંત્રની સતર્કતા અને માનવીય સંવેદના કોઈનું ખોવાયેલું સ્મિત પાછું લાવી શકે છે.
આ માનવીય અભિગમ વાળી કામગીરીથી એક પરિવાર ફરીથી એકઠો થયો છે, તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આણંદ દ્વારા જણાવ્યું છે.