આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલા ‘પ્રાપ્તિ સર્કલ’નું નામ બદલીને ‘સેવા જ્યોતિ સર્કલ’ કરવાની કામગીરીને લઈને શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. સર્કલના નામ બદલવાની સાથે તેના સુશોભન અને રિનોવેશનની કામગીરી પણ હાથ ધરાવાની છે. આ નિર્ણય અંગે કેટલાક સ્થાનિકો દ્વારા જાહેર નાણાંના ઉપયોગ અને જૂના સર્કલમાં ફરી ખર્ચ કરવાની જરૂરિયાત અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ અંગે આણંદ જિલ્લા વહીવટીતંત્રની સત્તાવાર માહિતી મુજબ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલા પ્રાપ્તિ સર્કલને ‘સેવા જ્યોતિ સર્કલ’ તરીકે ઓળખ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સર્કલને સેવા, સુશાસન અને રાષ્ટ્રપ્રથમના સંકલ્પને દર્શાવતું કલાત્મક સ્મારક બનાવવા માટે સુશોભિત કરવાની યોજના છે.
પ્રાપ્તિ સર્કલ વર્ષ 2017માં રાજમાર્ગ અને 80 ફૂટ રોડને જોડતા માર્ગ પર વિકસાવવામાં આવ્યું હતું અને ત્યારથી તે નામથી શહેરમાં ઓળખાય છે. હવે લગભગ નવ વર્ષ બાદ તેનું નામ બદલવાની પ્રક્રિયાને લઈને સ્થાનિક સ્તરે વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.
સ્થાનિકો દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, અગાઉથી વિકસિત અને શહેરમાં ઓળખ બની ગયેલા સર્કલમાં ફરી રિનોવેશન પાછળ ખર્ચ કરવાની જરૂરિયાત કેટલી છે. કેટલાક રહીશોએ આ નિર્ણયને લઈને જાહેર નાણાંના ખર્ચ અંગે વાંધો વ્યક્ત કર્યો છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, જો સર્કલના માળખામાં જરૂરી સુધારા કરવાના હોય તો તે અંગે યોગ્ય આયોજન થઈ શકે, પરંતુ માત્ર નામ બદલવા માટે અગાઉ થયેલા ખર્ચ બાદ ફરી મોટો ખર્ચ થાય તો તેની ઉપયોગિતા અંગે પારદર્શકતા જરૂરી છે.
જોકે, સત્તાવાર રજૂઆતમાં મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને શહેરની આગવી ઓળખ ઊભી કરવા અને સર્કલને કલાત્મક તથા પ્રેરણાદાયી સ્મારક તરીકે વિકસાવવાના ભાગરૂપે દર્શાવવામાં આવી છે.
આમ, એક તરફ મનપા દ્વારા સર્કલના નવા નામ અને સુશોભનને શહેર વિકાસના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ સ્થાનિકો દ્વારા ખર્ચ અને નામ બદલવાના નિર્ણય અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. હવે આ કામગીરીનો વાસ્તવિક ખર્ચ, કામનો વ્યાપ અને સર્કલના રિનોવેશનથી થનારા ફેરફારો પર સૌની નજર રહેશે.