આણંદના પાદરા ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસનો પર્દાફાશ, ₹19,940ની દવાઓ જપ્ત

આણંદના પાદરા ગામમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસનો પર્દાફાશ, ₹19,940ની દવાઓ જપ્ત

આણંદ જિલ્લામાં મેડિકલ ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ અભિયાન અંતર્ગત ખંભાત વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ તારાપુર પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને પાદરા ગામમાં એક વ્યક્તિ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના દવાખાનું ચલાવી મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે તારાપુર પોલીસે આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે રાખીને પાદરા ગામમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન તારક ચંદ્રદેય માધબ ચંદ્રદેય નામનો વ્યક્તિ મેડિકલ પ્રેક્ટિસ કરતો મળી આવ્યો હતો.

પોલીસે તપાસ કરતાં તેની પાસે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટેની કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન પણ તે પોતાની પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવાનું જણાવી શક્યો નહોતો.

તપાસ દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹19,940ની કિંમતની એલોપેથિક દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી તારક ચંદ્રદેય માધબ ચંદ્રદેય મૂળ પશ્ચિમ બંગાળના હાવરા નોર્થ વિસ્તારમાં આવેલા શ્રીનગર, વિવેકાનંદ રોડનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહીથી આણંદ જિલ્લામાં ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આવી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ સામે આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.