આણંદના લોટીયા ભાગોળમાં પોલીસમાં બાતમી આપ્યાની રીસે પિતા-પુત્ર પર બેરહેમી હુમલો

આણંદ: આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં પોલીસમાં બાતમી આપ્યાની રીસ રાખીને ત્રણ શખસોએ પિતા અને પુત્ર પર લાકડાના દંડા સહિતના માર હથિયારથી બેરહેમીપૂર્વક હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ગંભીર ઘટનામાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આણંદ શહેર પોલીસે ત્રણેય શખસો વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત માહિતી મુજબ, આણંદના લોટીયા ભાગોળ સ્થિત વડવાળા ફળીયામાં રહેતા ચેતનભાઈ સંજયભાઈ કદમ ગુરૂવાર રાત્રે આશરે ૧૦ વાગ્યે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન વિપુલ ઉર્ફે શેટ્ટી રમેશ ગોહિલ ત્યાં આવી પહોંચ્યો હતો અને “પોલીસમાં બાતમી કેમ આપો છો?” એમ કહી ગમે તેમ અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝઘડો કર્યો હતો.


આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. તે દરમ્યાન વિપુલનું ઉપરાણું લઈને અન્ય બે અજાણ્યા શખસો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ત્રણેય જણાએ લાકડાના દંડા વડે ચેતનભાઈ પર મારામારી શરૂ કરી હતી. આ સમયે ચેતનભાઈનો પુત્ર વચ્ચે પડતાં ત્રણેય શખસોએ તેને પણ માર માર્યો હતો.


મારામારીમાં પિતા-પુત્ર બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આણંદ શહેર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.