આણંદના લાંભવેલમાં મ્યુલ એકાઉન્ટ ગેંગનો પર્દાફાશ, ચાર શખસોની ધરપકડ; ₹75 હજારનો મુદ્દામાલ જપ્ત

આણંદના લાંભવેલમાં મ્યુલ એકાઉન્ટ ગેંગનો પર્દાફાશ, ચાર શખસોની ધરપકડ; ₹75 હજારનો મુદ્દામાલ જપ્ત

આણંદના લાંભવેલ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી સાઇબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવાના કથિત નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર શખસોને ઝડપી પાડીને 8 મોબાઇલ, 5 પાસબુક, 2 સીમકાર્ડ અને 11 ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહિત કુલ ₹75 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ચારેય આરોપીઓના અઢી દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આણંદ: સાઇબર ફ્રોડના નાણાંની હેરફેર માટે બેંક ખાતાંનો ઉપયોગ કરતી ગેંગ સામે આણંદ પોલીસે કાર્યવાહી કરી છે. લાંભવેલ રોડ પર આવેલા તક્ષશીલા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર B-301માં કેટલાક શખસો મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે રાત્રિના સમયે દરોડો પાડીને ચાર શખસોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી વિવિધ બેંકોનાં કાર્ડ, પાસબુક, મોબાઇલ ફોન અને સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને સમગ્ર નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે.

મહેસાણા, પાટણ અને રાજસ્થાનના ચાર શખસો ઝડપાયા

પોલીસની પૂછપરછમાં પકડાયેલા ચાર શખસોની ઓળખ અર્જુન ભરત ઠાકોર (મહેસાણા), હેમંતસિંહ અર્જુનસિંહ રાઠોડ (જેસલમેર, રાજસ્થાન), વિજય ગોવિંદ ઠાકોર (પાટણ) અને પ્રવિણસિંહ સ્વરૂપસિંહ ભાટી (બાડમેર, રાજસ્થાન) તરીકે થઈ છે.

પોલીસે તેમની પાસેથી 8 મોબાઇલ ફોન, 5 બેંક પાસબુક, 2 સીમકાર્ડ તથા અલગ-અલગ બેંકોનાં 11 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યાં છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹75 હજાર હોવાનું જાણવા મળ્યું છે.

3થી 4 ટકા કમિશન લઈને સાઇબર ફ્રોડની રકમની હેરફેરનો આરોપ

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ચારેય શખસો સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ કથિત રીતે સાઇબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલી રકમ બેંક ખાતાંમાં જમા કરાવવા માટે અન્ય લોકોનાં ખાતાંનો ઉપયોગ કરતા હતા.

આ માટે તેઓ ઓછું ભણેલા અને આર્થિક રીતે નબળા લોકોનો સંપર્ક કરતા હતા. આવા લોકોને આશરે ₹1,000થી ₹2,000 આપવાની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાં ખોલાવવામાં આવતાં હતાં. ત્યારબાદ ખાતાંની પાસબુક, કાર્ડ અને અન્ય બેંકિંગ કિટ પોતાની પાસે રાખી લેવામાં આવતી હોવાની વિગતો પોલીસની તપાસમાં સામે આવી છે.

આરોપીઓ આવા વ્યવહારના બદલામાં સાઇબર ફ્રોડ સાથે સંકળાયેલા લોકો પાસેથી 3થી 4 ટકા કમિશન મેળવતા હોવાનો પોલીસને શંકા છે. જોકે, સમગ્ર નેટવર્કમાં અન્ય વ્યક્તિઓની ભૂમિકા અને નાણાંના વ્યવહારો અંગે વધુ તપાસ ચાલી રહી છે.

એક અઠવાડિયાથી ભાડાના ફ્લેટમાં રોકાયા હતા

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ચારેય શખસોએ આણંદના તક્ષશીલા એપાર્ટમેન્ટમાં આવેલો ફ્લેટ આશરે એક અઠવાડિયા પહેલાં ભાડે લીધો હતો. ત્યારથી તેઓ ત્યાં ભેગા થઈને મ્યુલ એકાઉન્ટ ખોલાવવાની પ્રવૃત્તિ કરતા હોવાની આશંકા છે.

પોલીસ હવે ફ્લેટના મકાનમાલિકની પણ પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. મકાન ભાડે આપતી વખતે યોગ્ય ભાડાકરાર કરવામાં આવ્યો હતો કે નહીં અને ભાડૂઆતોની ઓળખ અંગે જરૂરી ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે.

જો મકાન ભાડે આપવાની પ્રક્રિયામાં કોઈ નિયમભંગ થયો હોવાનું સામે આવશે તો તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

ચારેય આરોપીઓના અઢી દિવસના રિમાન્ડ

પોલીસે ચારેય આરોપીઓને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, બેંક ખાતાં દ્વારા કેટલા રૂપિયાની હેરફેર કરવામાં આવી છે અને સાઇબર ફ્રોડની રકમ ક્યાંથી આવતી હતી તે જાણવા માટે ટેકનિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે.

આ કેસમાં પોલીસે ચારેય આરોપીઓના અઢી દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે તપાસ દરમિયાન સાઇબર ફ્રોડ સાથે સંકળાયેલી અન્ય કડીઓ અને સંભવિત સાગરિતો અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.