આણંદના ઈસ્માઈલનગરમાં ગાંજાના વેચાણનો પર્દાફાશ, બે શખસ ઝડપાયા; રૂ.2.70 લાખનો મુદ્દામાલ જપ્ત

આણંદના ઈસ્માઈલનગરમાં ગાંજાના વેચાણનો પર્દાફાશ, બે શખસ ઝડપાયા; રૂ.2.70 લાખનો મુદ્દામાલ જપ્ત

નાની-નાની પડીકીઓ બનાવી રૂ.100માં કરતા હતા વેચાણ, નાપાડ-નાવલીથી ગાંજો લાવતા હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી

આણંદ શહેરના ઈસ્માઈલનગર વિસ્તારમાં ગાંજાના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી બે શખસોને ઝડપી પાડ્યા છે. આણંદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન સોસાયટી અને ઈકરા રેસિડેન્સી નજીક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 4.209 કિલોગ્રામ ગાંજો સહિત મોપેડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈસ્માઈલનગરની ગોલ્ડન સોસાયટીમાં રહેતા આરીફમિંયા મલેક અને ઈકરા રેસિડેન્સીમાં રહેતા ઈસુબ ઉર્ફે મુન્નો રસુલ વ્હોરા પોતાના રહેણાક મકાનની આસપાસ ગાંજાની પડીકીઓ બનાવી તેનું વેચાણ કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે AHTUની ટીમે બંને સ્થળોએ દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન આરીફમિંયાના ઘરે રંગરોગાનનું કામ ચાલી રહ્યું હતું. પોલીસે ઘરની તપાસ કરતાં પ્લાસ્ટિકની ડોલમાંથી પ્લાસ્ટિકના પેકિંગમાં રાખેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ગાંજાની નાની પડીકીઓ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતી ખાલી થેલીઓ પણ મળી આવી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન આરીફમિંયાએ ગાંજાનો જથ્થો પોતાનો હોવાનું કબૂલ્યું હતું. પ્રાથમિક તપાસમાં બંને શખસો ભેગા મળીને ગાંજાની નાની-નાની પડીકીઓ તૈયાર કરી તેનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઈસુબ ઉર્ફે મુન્નોની અંગઝડતી લેતાં તેની પાસેથી પણ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

નાપાડ-નાવલીથી ગાંજો લાવી સ્થાનિકોમાં વેચાણ કરતા હોવાનો ખુલાસો

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરીફમિંયા છેલ્લા આશરે ત્રણ મહિનાથી ગાંજાના વેચાણ સાથે સંકળાયેલો હતો. તે પોતાના મોપેડ પર નાપાડ-નાવલી વિસ્તારમાં રહેતા સાકીર ઉર્ફે ડાલામથ્થા પાસેથી ગાંજાનો જથ્થો લાવતો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ગાંજાને નાની-નાની પડીકીઓમાં પેક કરી વેચાણ કરવામાં આવતું હતું.

આ પડીકીઓ અંદાજે બે ગ્રામની બનાવી સ્થાનિક લોકોને રૂ.100ના ભાવે વેચવામાં આવતી હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે. આ સમગ્ર વ્યવહારમાં ઈસુબ ઉર્ફે મુન્નો તેને મદદ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે

આ દરોડા દરમિયાન પોલીસે કુલ 4.209 કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ.2.10 લાખ થાય છે, તેમજ મોપેડ સહિત કુલ રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ માટે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને આ નશાના કારોબારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.