આણંદના ગામડીમાં જમીન પચાવી પાડવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. જમીનમાલિકની પુત્રીને નિર્વંશ બતાવીને બોગસ પેઢીનામું તૈયાર કરી જમીન હડપવાનો પ્રયાસ કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે.
આ મામલે ચોંકાવનારી વાત એ છે કે નડિયાદના ભાજપના એક હોદ્દેદાર કમ બિલ્ડર હારૂનશા જુમ્માસા દિવાને જ આ જમીનની માલિકીને લઈને પોલીસમાં અરજીઓ કરી હતી. જોકે, આણંદ શહેર પોલીસે તપાસ હાથ ધરતા સમગ્ર મામલો જ ફરિયાદ કરનારની વિરુદ્ધમાં ગયો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગામડી સીમની સર્વે નંબર 242 પૈકીની 13.50 ગુંઠા જમીન માટે વર્ષ 2011માં પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં જમીનમાલિકની પુત્રી તારાબેન અને તેમના સંતાનોની વિગતો દર્શાવવામાં આવી નહોતી.
પરંતુ પોલીસે જૂના સોગંદનામા અને 7/12ના ઉતારા સહિતના દસ્તાવેજોની તપાસ કરતાં તારાબેનના લગ્ન અને તેમના બે પુત્રો હોવાની વિગતો સામે આવી હતી.
આ મામલે આણંદ શહેર પોલીસે બોગસ દસ્તાવેજ અને ષડયંત્રની કલમો હેઠળ કુલ છ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હારૂનશા દિવાન વિરુદ્ધ 50થી વધુ અરજીઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. જમીનના વ્યવહારોમાં ખેડૂતો પાસેથી રૂપિયા પરત પડાવી લેવાના પણ આક્ષેપો સામે આવ્યા છે.
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા દસ્તાવેજો, અરજીઓ અને જમીન વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.