પાર્થ ટાઉનશીપમાં રસ્તાના ઉપયોગ મુદ્દે બોલાચાલી બાદ તોડફોડનો આક્ષેપ, નવા બની રહેલા રસ્તાને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ; વિદ્યાનગર પોલીસે બે શખસો સામે ગુનો નોંધ્યો
આણંદ શહેર નજીક બાકરોલ સ્થિત પાર્થ ટાઉનશીપમાં રસ્તાના ઉપયોગને લઈને વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં બે શખસોએ તોડફોડ કરી ટાઉનશીપના પ્રમુખ અને તેમની પત્નીની કારનાં કાચ તોડી નાખ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઉપરાંત નવા બની રહેલા રસ્તાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે બે શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રસ્તાના ઉપયોગ મુદ્દે શરૂ થયો વિવાદ
પાર્થ ટાઉનશીપના પ્રમુખ ઉર્વેશકુમાર પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ટાઉનશીપમાં ભાનુ હમીર ભરવાડ અને તરૂણ હમીર ભરવાડના પ્લોટ અને મકાન આવેલાં છે. ટાઉનશીપની પાછળ આવેલી તેમની જમીનમાં બંને ભાઈઓ દ્વારા 'નંદનબાગ વિલા' નામની સ્કીમ શરૂ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સ્કીમમાં અવરજવર માટે તેઓ પાર્થ ટાઉનશીપના રસ્તાનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વાહનોની અવરજવર અને હોર્ન વગાડવા મુદ્દે બોલાચાલી
ફરિયાદ મુજબ, ગત 21 ઓક્ટોબરે નંદનબાગ વિલા સ્કીમ ખાતે નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેસિડેન્શિયલ પ્લોટની સ્કીમને લઈને અનેક વાહનો ટાઉનશીપના રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં.
આ વાહનોના ચાલકો પૂરપાટ ઝડપે વાહન ચલાવતા અને સતત હોર્ન વગાડતા હોવાની રજૂઆત સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે ઉર્વેશકુમાર પટેલ સહિતના રહીશોએ વાહનચાલકોને ટકોર કરી હતી. ત્યારબાદ રસ્તાના ઉપયોગને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
પ્રમુખ અને તેમનાં પત્નીની કારમાં તોડફોડનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિવાદ ઉગ્ર બનતાં ભાનુ હમીર ભરવાડ અને તરૂણ હમીર ભરવાડે ઉર્વેશકુમાર પટેલ તથા તેમનાં પત્નીની કારમાં તોડફોડ કરી હતી. બંને કારના કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
આ ઉપરાંત નવા બની રહેલા રસ્તાને નુકસાન પહોંચાડીને અંદાજે રૂ. 25 લાખનું નુકસાન કરાયું હોવાની પણ ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. રસ્તા વચ્ચે કાર ઊભી રાખી સોસાયટીના રહીશોની અવરજવરમાં અવરોધ ઊભો કરાયો હોવાનો પણ ઉલ્લેખ છે.
નવી સ્કીમના રસ્તાને લઈને પણ ચર્ચા
આ વિવાદ વચ્ચે પાર્થ ટાઉનશીપની પાછળ આવેલી સર્વે નંબર 613, 614 અને 619ની જમીનનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ જમીનમાં નંદનબાગ વિલા નામની સ્કીમ વિકસાવવામાં આવી રહી છે અને તેના માટે પાર્થ ટાઉનશીપના રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હતો. અગાઉનો રસ્તો જોળ નહેર તરફથી પસાર થઈ પાછળના ભાગે નીકળતો હોવાનું પણ જણાવાયું છે.
હાલમાં નવી સ્કીમ વિકસાવવામાં આવી રહી હોવાથી રસ્તાના વિવાદ પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ તે અંગે સ્થાનિક સ્તરે ચર્ચાઓ થઈ રહી છે. જોકે, નવી સ્કીમને નુકસાન પહોંચાડવા માટે જાણીજોઈને અવરોધ ઊભો કરવાનું કોઈ ષડયંત્ર રચાયું છે કે કેમ તે અંગેની વાત હાલ માત્ર આશંકા અને ચર્ચા સુધી મર્યાદિત છે. આ દિશામાં કોઈ નિષ્કર્ષ પર આવવા માટે તપાસ જરૂરી છે.
પોલીસ તપાસની માંગ
સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે ભાનુ હમીર ભરવાડ અને તરૂણ હમીર ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રસ્તાના વિવાદમાં થયેલી તોડફોડ, નુકસાન અને અવરજવરમાં ઊભા કરાયેલા અવરોધ અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.