આણંદના બાકરોલ ફૂડઝોનને લાગ્યાં તાળાં! લાખોના ખર્ચે બનાવેલો પ્રોજેક્ટ બન્યો શોભાના ગાંઠિયા સમાન

આણંદના બાકરોલ ફૂડઝોનને લાગ્યાં તાળાં! લાખોના ખર્ચે બનાવેલો પ્રોજેક્ટ બન્યો શોભાના ગાંઠિયા સમાન

આણંદ શહેરના વિકાસના નામે કરવામાં આવતા ખર્ચ અને સરકારી પ્રોજેક્ટ્સના આયોજન સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. બાકરોલ તળાવના કિનારે નાગરિકોને ખાણીપીણી અને હરવા-ફરવા માટે વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ફૂડઝોન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. આશરે 10 મહિના પહેલાં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને ગ્રાહકોનો પૂરતો પ્રતિસાદ ન મળતાં આખરે સંચાલક એજન્સીએ ફૂડઝોનને તાળાં મારી દીધાં છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની રચના બાદ શહેરના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા. તે અંતર્ગત બાકરોલ તળાવને પ્રવાસન અને ખાણીપીણીના સ્થળ તરીકે વિકસાવવાના આશયથી તળાવની આસપાસ આશરે 10 લાખથી વધુના ખર્ચે ફૂડઝોન તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં કુલ 21 જેટલા કન્ટેનર મૂકીને આકર્ષક દુકાનો બનાવવામાં આવી હતી.

પ્રોજેક્ટ તૈયાર થયા બાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ખાનગી એજન્સીને ભાડે ફાળવીને સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. શરૂઆતમાં આ ફૂડઝોનથી સ્થાનિક વેપારીઓ અને નાગરિકોને સારી સુવિધા મળવાની આશા હતી. પરંતુ સ્થળ પર ગ્રાહકોને આકર્ષે તેવી પાયાની સુવિધાઓના અભાવને કારણે વ્યવસાય અપેક્ષા મુજબ ચાલી શક્યો નહીં.

પરિણામે, ગ્રાહકોની અવરજવર ઓછી રહેતા અને સતત આર્થિક નુકસાન થતું હોવાના કારણે સંચાલક એજન્સીએ ફૂડઝોન બંધ કરવાનો નિર્ણય લીધો છે. હાલ લાખોના ખર્ચે તૈયાર કરાયેલા કન્ટેનર અને દુકાનો બંધ હાલતમાં હોવાથી સમગ્ર પ્રોજેક્ટના આયોજન સામે સવાલો ઊભા થયા છે.

પાર્કિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓનો અભાવ

ફૂડઝોન નિષ્ફળ જવા પાછળ પાર્કિંગ અને લાઇટિંગ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ મુખ્ય કારણ તરીકે સામે આવી રહ્યો છે. કોઈપણ ફૂડઝોન શરૂ કરતાં પહેલાં ત્યાં ગ્રાહકો કેવી રીતે પહોંચશે, વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કેવી હશે અને રાત્રિના સમયે પૂરતી લાઇટિંગ મળશે કે નહીં તે બાબતોનું આયોજન જરૂરી હોય છે.

પરંતુ બાકરોલ તળાવ ખાતે ફૂડઝોન ઊભો કરતા પહેલાં આ તમામ બાબતોનો પૂરતો અભ્યાસ કરવામાં આવ્યો હતો કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. સુવિધાઓના અભાવે ગ્રાહકોની અવરજવર ઘટી અને અંતે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાની ચર્ચા છે.

જવાબદારીમાંથી હાથ ખંખેરતું મનપા તંત્ર?

આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ફૂડઝોન ખાનગી એજન્સીને ભાડેથી ફાળવવામાં આવ્યો હોવાથી તેના સંચાલન અને જાળવણીની જવાબદારી સંબંધિત એજન્સીની છે.

જોકે, અધિકારીના આ જવાબ બાદ મનપાની જવાબદારી અને પ્રોજેક્ટના મોનિટરિંગને લઈને ચર્ચા શરૂ થઈ છે. માત્ર ટેન્ડર આપીને તંત્રની જવાબદારી પૂર્ણ થઈ જાય કે પછી પ્રોજેક્ટ યોગ્ય રીતે કાર્યરત રહે તે માટે નિયમિત દેખરેખ પણ જરૂરી છે, તેવા સવાલો નાગરિકો ઉઠાવી રહ્યા છે.

પ્રજાના પૈસાનો ખર્ચ આખરે કોના માટે?

એક તરફ શહેરના વિકાસ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તો બીજી તરફ યોગ્ય આયોજન અને સુવિધાઓના અભાવે આવા પ્રોજેક્ટ્સ બંધ થવાની સ્થિતિ સર્જાય છે. બાકરોલ ફૂડઝોનની હાલતને લઈને હવે પ્રજાના નાણાંનો ઉપયોગ કેટલો અસરકારક રીતે થયો તે અંગે ચર્ચા તેજ બની છે.

હવે જોવાનું એ રહેશે કે આણંદ મહાનગરપાલિકા આ બંધ પડેલા ફૂડઝોનને ફરી શરૂ કરવા માટે કોઈ નક્કર આયોજન કરે છે કે પછી લાખોના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ લાંબા સમય સુધી ધૂળ ખાતો રહેશે?