9 વર્ષના આકાશે 3 લોકોને આપ્યું નવજીવન, પરિવારે અંગદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
આણંદ જિલ્લામાંથી વધુ એક હૃદયસ્પર્શી અંગદાનની ઘટના સામે આવી છે. કરમસદની શ્રી કૃષ્ણા હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા માત્ર 9 વર્ષના આકાશ ભરતભાઈ પરમારના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો છે.
આકાશ કુંજરાવની કુમાર શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો હતો. 28 ઓગસ્ટની સાંજે તે પોતાના 12 વર્ષીય મોટા ભાઈ પ્રકાશ સાથે તરસાડ-તલાવડી રોડ પરથી ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન એક અજાણ્યા કારચાલકે ટક્કર મારતાં આકાશને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
સારવાર દરમિયાન 2 સપ્ટેમ્બરે તબીબોની ટીમે આકાશને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આકાશના દાદા વાઘજીભાઈ પરમારે માનવતાભર્યો નિર્ણય લેતા પૌત્રના અંગદાન માટે સંમતિ આપી હતી. પરિવારના આ નિર્ણયથી બે કિડની અને લિવર ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપશે, જ્યારે ચક્ષુઓનું પણ દાન કરવામાં આવ્યું છે.
અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે કરમસદથી અમદાવાદ IKDRC સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. આણંદ શહેર પોલીસ સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસનો સહયોગ મળ્યો હતો.
ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધીમાં 1,400 અંગો અને ટિશ્યૂનું દાન કરાવવામાં આવ્યું છે, જેના થકી દેશ-વિદેશના 1,291 લોકોને નવજીવન અને નવી દ્રષ્ટિ મળી છે.
આકાશે જીવ ગુમાવ્યો, પરંતુ તેના અંગો હવે ત્રણ પરિવારોમાં નવી આશા અને ખુશીઓ લાવશે.
“અંગદાન... જીવનદાન... માનવતાની સૌથી મોટી ભેટ.” ❤️