વિદેશ જવાના સપના દેખાડી લાખો રૂપિયાની કથિત છેતરપિંડીનો મામલો આણંદ જિલ્લામાં સામે આવ્યો છે. પેટલાદ કોલેજ ચોકડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આણંદ શહેરમાં આવેલી એક કન્સલ્ટન્સીના સંચાલક દંપતી સહિતના લોકો સામે વિદેશ મોકલવાની પ્રક્રિયાના નામે લાખો રૂપિયા લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2025 દરમિયાન સોશિયલ મીડિયા મારફતે ફરિયાદીને આણંદના નાવલીવાલા બિલ્ડિંગમાં આવેલી એક કન્સલ્ટન્સી અંગે માહિતી મળી હતી. ત્યારબાદ ફરિયાદી અને તેમના પતિએ સર્બિયા જવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડોક્યુમેન્ટ ચાર્જ, પ્રોસેસિંગ અને અન્ય પ્રક્રિયાના નામે અલગ-અલગ તબક્કે ઓનલાઇન પેમેન્ટ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્બિયાની એક કંપનીમાં નોકરી અને માસિક આશરે રૂ. 81 હજાર 900ના પગાર સાથેનું જોબ લેટર પણ આપવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જોકે, સર્બિયા જવાની પ્રક્રિયામાં વિલંબ થતાં રશિયા-યુક્રેન યુદ્ધની પરિસ્થિતિનું કારણ દર્શાવવામાં આવ્યું હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. ત્યારબાદ જૂન 2026માં સર્બિયાની જગ્યાએ યુકેના વિઝિટર વિઝાની પ્રક્રિયા કરાવવાની વાત કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, યુકેના વિઝિટર વિઝા માટે કુલ અંદાજે 14 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે તેમ જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ પણ અલગ-અલગ તબક્કે રકમ લેવામાં આવી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદીનું કહેવું છે કે રકમ ચૂકવ્યા બાદ પણ વિઝા પ્રક્રિયા આગળ વધી નહોતી. જેના કારણે તેમણે પોતાની રકમ પરત માંગવાનું શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, ચેક મારફતે રકમ પરત આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ રકમ પરત ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં અન્ય કેટલાક વ્યક્તિઓ પાસેથી પણ સર્બિયા અને લાતવિયા મોકલવાના નામે લાખો રૂપિયા લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કેટલાક લોકોના અસલ પાસપોર્ટ કન્સલ્ટન્સી સંચાલક પાસે હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હાલ સમગ્ર મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અને સમગ્ર મામલાની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.