આણંદ શહેરમાં દિવાળીના તહેવારની ભીડ વચ્ચે લૂંટનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. જૂના રામજી મંદિર પાસે રહેતી એક વૃદ્ધાના ઘરે પાણી પીવાના બહાને આવેલી મહિલાએ આંખમાં મરચાંની ભૂકી નાખી ગળામાં પહેરેલો સોનાનો દોરો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃદ્ધાની બૂમાબૂમ સાંભળીને તેમના બહેન અને આસપાસના લોકો દોડી આવતાં મહિલા લૂંટ કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ તે નજીકમાં બાઇક લઈને ઊભેલા પોતાના સાગરિત સાથે ફરાર થઈ ગઈ હતી.
પાણી પીવાના બહાને બે વખત કરી હતી રેકી
મળતી માહિતી મુજબ, આણંદના જૂના રામજી મંદિર પાસે બંસરીબેન પુરાણી રહે છે. દિવાળીના તહેવારને પગલે તેમના ઘરે રશ્મિકાબેન રહેવા માટે આવ્યા હતા. સોમવારે સાંજે બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ હતી. આ દરમિયાન એક અજાણી મહિલા પાણી પીવાના બહાને તેમના ઘરે આવી હતી.
મહિલાએ દિવાળીના કારણે બજારમાં ખૂબ ભીડ હોવાનું અને પોતે વસ્તુઓ વેચવા માટે આવી હોવાનું જણાવ્યું હતું. આ બહાને તે અગાઉ બે વખત તેમના ઘરે આવી હોવાનું અને ઘરની સ્થિતિની રેકી કરી હોવાનું સામે આવ્યું છે.
વૃદ્ધાની આંખમાં મરચાંની ભૂકી નાખી સોનાનો દોરો ખેંચવાનો પ્રયાસ
ત્રીજી વખત મહિલા ફરીથી બંસરીબેનના ઘરે પહોંચી હતી. વૃદ્ધા કંઈ સમજે તે પહેલાં જ મહિલાએ તેમના ગળામાં પહેરેલા સોનાના દોરા પર હાથ નાખી તેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ વૃદ્ધાની આંખમાં મરચાંની ભૂકી પણ નાખી હતી. અચાનક થયેલા હુમલાને કારણે બંસરીબેન નીચે પડી ગયાં હતાં અને તેમણે બૂમાબૂમ શરૂ કરી હતી.
વૃદ્ધાની બૂમો સાંભળીને ઘરમાં હાજર તેમના બહેન તેમજ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ મહિલાને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વૃદ્ધાના માથામાં પોતાની પાસે રહેલું તબાસરું મારી ત્યાંથી ભાગી છૂટી હતી.
બાઇક પર આવેલા સાગરિત સાથે ફરાર
ઘટનાસ્થળથી થોડે દૂર તેનો એક સાગરિત બાઇક લઈને ઊભો હતો. મહિલા તેની બાઇક પર બેસીને દિવાળીની બજારની ભીડ અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તેને પકડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હાથમાં આવી નહોતી.
ઘટનાની જાણ થતાં આણંદ શહેર પોલીસ સક્રિય બની છે. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજના આધારે મહિલા અને તેના સાગરિતને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે.