આણંદમાં સરકારી કચેરીઓ બહાર હવે એજન્ટોનો ખેલ નહીં ચાલે!
આણંદ જિલ્લામાં સરકારી કચેરીઓમાં કામ કરાવવા જતા લોકો માટે મહત્વના સમાચાર છે.
હવે સરકારી કચેરીઓની બહાર ઉભા રહીને લોકોને ગેરમાર્ગે દોરતા અને પૈસા પડાવતા વચેટિયા અને બિનઅધિકૃત વ્યક્તિઓ સામે તંત્રએ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે.
આણંદ જિલ્લાના તમામ સરકારી કચેરીઓના મુખ્ય ગેટની આસપાસના 100 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓને ઉભા રહેવા કે કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તંત્રના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક એજન્ટો કચેરીમાં આવતા અરજદારોને ઉલટી-સીધી વાતો કરી ભોળવી, લાલચ આપી કે ગેરમાર્ગે દોરીને પૈસા પડાવતા હતા. આવા લોકો સરકારી કામ કરાવી આપવાના બહાને નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી.
આથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારાએ જાહેરનામું બહાર પાડીને આ પ્રતિબંધ ફરમાવ્યો છે.
જોકે, સરકારી કામ માટે આવેલી વ્યક્તિ, કચેરીમાં કામ કરતી વ્યક્તિ અથવા યોગ્ય કામ માટે આવેલી વ્યક્તિને આ નિયમમાંથી મુક્તિ રહેશે.
આ જાહેરનામું 23 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.
નિયમનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.
અર્થાત હવે સરકારી કચેરીની બહાર ‘કામ કરાવી આપીશું’ કહીને પૈસા પડાવનારાઓ માટે તંત્રએ 100 મીટરની લક્ષ્મણરેખા દોરી દીધી છે!