આણંદમાં સબસિડીવાળા યુરિયા ખાતરની કાળાબજારીનો પર્દાફાશ, 5 સામે ગુનો નોંધાયો

આણંદમાં સબસિડીવાળા યુરિયા ખાતરની કાળાબજારીનો પર્દાફાશ, 5 સામે ગુનો નોંધાયો

બોરસદ: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા વાંટા ગામમાં ખેડૂતોને રાહત દરે મળતા સબસિડીવાળા યુરિયા ખાતરની ગેરકાયદે હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ખેતીવાડી વિભાગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ ગાંધીનગરની પ્રયોગશાળાનો રિપોર્ટ આવતાં જ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પતરાના શેડમાં ચાલતું હતું યુરિયાનું રિ-પેકિંગ

મળતી માહિતી મુજબ, નાપા વાંટા ગામમાં ભાભરી તલાવડી પાસે આવેલા જગુભા ઉર્ફે જગુભાઈ ઉદેસિંહ રાઠોડના પતરાના શેડમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે આશરે પખવાડિયા પહેલાં SOG અને ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

તપાસ દરમિયાન નાસીરહુસેન શેખ અને સમીર મન્સુરી યુરિયા ખાતરનું રિ-પેકિંગ અને બોરીઓની સિલાઈ કરતા મળી આવ્યા હતા. ટીમે સ્થળ પરથી સબસિડીવાળા યુરિયાની 308 બેગ અને ટેક્નિકલ ગ્રેડ યુરિયાની 23 થેલીઓ સહિતનો જથ્થો કબજે કર્યો હતો.

ખેતીના ખાતરને ઔદ્યોગિક ઉપયોગ માટે મોકલવાની આશંકા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે યુરિયાનો જથ્થો ડાકોરના અરવિંદભાઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને કેતન ઉર્ફે કૃણાલ શાહના કહેવાથી તેને સફેદ બોરીઓમાં ફરીથી પેક કરવામાં આવતો હતો.

શંકાસ્પદ સફેદ બોરીઓમાંથી ખાતરના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે ગાંધીનગરની ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.

તાજેતરમાં પ્રાપ્ત થયેલા સત્તાવાર લેબ રિપોર્ટમાં સફેદ બોરીઓમાં ભરેલા ખાતરમાં નીમ ઓઈલની હાજરી મળી હોવાનું જણાવાયું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટના આધારે ખેતી માટેના સબસિડીવાળા યુરિયાને ઔદ્યોગિક ઉપયોગ માટે ફરીથી પેક કરીને ગેરકાયદે રીતે વાળવામાં આવતું હોવાની આશંકા વધુ મજબૂત બની છે.

પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

ખેતી અધિકારી અને ફર્ટિલાઇઝર ઇન્સ્પેક્ટર આર. આર. ક્રિશ્ચિયનની ફરિયાદના આધારે બોરસદ રૂરલ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તેમાં નાસીરહુસેન ગુલામરસુલ શેખ (રહે. વડોદરા), સમીર ઇસ્માઈલ મન્સુરી (રહે. આણંદ), જગુભા ઉર્ફે જગુ ઉદેસિંહ રાઠોડ (રહે. નાપા વાંટા, બોરસદ), ડાકોરના અરવિંદભાઈ અને કેતન ઉર્ફે કૃણાલ શાહનો સમાવેશ થાય છે.

ખેડૂતોને મળતી સબસિડીના દુરુપયોગનો ગંભીર મામલો

સરકાર ખેડૂતોને ખેતી માટે રાહતદરે ખાતર ઉપલબ્ધ કરાવે છે, જેથી ખેતીનો ખર્ચ ઘટે અને ખેડૂતોને આર્થિક રાહત મળે. આવા ખાતરનો અન્ય હેતુ માટે ગેરકાયદે ઉપયોગ થતો હોય તો તે સબસિડીના દુરુપયોગનો ગંભીર મુદ્દો બને છે.

નાપા વાંટામાંથી મળી આવેલા ખાતરના જથ્થા અને લેબ રિપોર્ટ બાદ હવે પોલીસ તપાસમાં આ કથિત કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને ખાતરનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.