આણંદમાં રખડતાં પશુઓના પ્રશ્ને મનપા તંત્રની માલધારી સમાજ સાથે બેઠક

આણંદમાં રખડતાં પશુઓના પ્રશ્ને મનપા તંત્રની માલધારી સમાજ સાથે બેઠક

મેયર દીપિકાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયાએ પશુઓને રસ્તા પર છૂટા ન મૂકવા અપીલ કરી

આણંદ: શહેરમાં જાહેર રસ્તાઓ પર રખડતાં પશુઓના પ્રશ્ન અને શહેરી વ્યવસ્થા જાળવવાના હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સભાખંડમાં માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને ઢોર પકડવાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન મેયર દીપિકાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયાએ માલધારી સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. શહેરના રસ્તાઓ પર પશુઓ મુક્તપણે ફરતાં હોવાથી જાહેર વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષાને લગતા પ્રશ્નો ઊભા ન થાય તે માટે માલધારી સમાજનો સહયોગ માગવામાં આવ્યો હતો.

આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે પણ બેઠકમાં હાજરી આપી હતી. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જાહેર માર્ગો પર પશુઓને કારણે સર્જાતી મુશ્કેલીઓ ઘટાડવા અંગે જરૂરી સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગના અધિકારીઓ અને ઢોર પકડતી એજન્સીના કર્મચારીઓએ પણ કામગીરીને લગતા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

બેઠકમાં માલધારી સમાજના આગેવાનોને પોતાના પશુઓને જાહેર રસ્તાઓ પર છૂટા ન મૂકવા ખાસ અપીલ કરવામાં આવી હતી. પશુઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી ન પડે તેમજ શહેરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ પક્ષોએ સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયૂરભાઈ સુથાર અને ડેપ્યુટી કમિશનર એસ. કે. ગરવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા માલધારી સમાજ સાથે કરવામાં આવેલી આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાને નિયંત્રિત કરવા, જાહેર માર્ગો પર સુરક્ષા જાળવવા અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા માટે પરસ્પર સહયોગ વધારવાનો રહ્યો હતો.