આણંદમાં રેશન વિતરણ વ્યવસ્થા ખોરવાઈ: સર્વર ઠપ્પ થતાં 2 લાખથી વધુ કાર્ડધારકો પરેશાન

આણંદમાં રેશન વિતરણ વ્યવસ્થા ખોરવાઈ: સર્વર ઠપ્પ થતાં 2 લાખથી વધુ કાર્ડધારકો પરેશાન

આણંદ જિલ્લામાં સસ્તા અનાજના વિતરણની વ્યવસ્થા છેલ્લા ચાર દિવસથી મુશ્કેલીમાં મુકાઈ છે. નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ખોરવાઈ જતાં રેશનની દુકાનો પર જથ્થો ઉપલબ્ધ હોવા છતાં કાર્ડધારકોને અનાજ મળી રહ્યું નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા વચ્ચે સર્વર બંધ રહેતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે સર્જાયેલી આ ટેકનિકલ સમસ્યાથી આણંદ જિલ્લાના 2 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

દુકાનોમાં જથ્થો છે, પરંતુ વિતરણ અટક્યું

રેશન દુકાનદારોએ ઓક્ટોબર મહિનાનો નિયમિત જથ્થો તેમજ દિવાળી નિમિત્તે મળનારો વધારાનો જથ્થો અગાઉથી મંગાવી લીધો છે. આ સ્પેશિયલ જથ્થામાં સીંગતેલ, વધારાની ખાંડ, ચણા અને તુવેર દાળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાલુ મહિનાથી પ્રથમ વખત આપવામાં આવનાર તેલિયા ચોખાનો પણ જથ્થો દુકાનો સુધી પહોંચી ગયો છે.

પરંતુ પુરવઠા વિભાગના પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા શરૂ ન થઈ શકવાને કારણે દુકાનદારો માલ હોવા છતાં ગ્રાહકોને રેશન આપી શકતા નથી. પરિણામે કાર્ડધારકોને વારંવાર વ્યાજબી ભાવની દુકાનોના ધક્કા ખાવા પડી રહ્યા છે.

પુરવઠા કર્મચારીઓની હડતાળથી મુશ્કેલીમાં વધારો

એક તરફ સર્વર બંધ છે, તો બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પુરવઠા વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાળ પર છે. જેના કારણે તાલુકા અને જિલ્લા કક્ષાની કચેરીઓમાંથી પણ યોગ્ય માહિતી કે માર્ગદર્શન મળી રહ્યું નથી.

દુકાનદારોનું કહેવું છે કે સરકાર દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને સર્વર શરૂ ન થાય ત્યાં સુધી ઓફલાઈન પદ્ધતિથી રેશન વિતરણની મંજૂરી આપવામાં આવે, તો હજારો કાર્ડધારકોને રાહત મળી શકે છે.

હાલ તહેવારો પહેલા જ રેશન વિતરણ વ્યવસ્થા ખોરવાતા સરકાર આ અંગે ક્યારે સુધીમાં વૈકલ્પિક ઉકેલ લાવે છે તેના પર સૌની નજર છે.