આણંદ-કરમસદ મનપાના વોર્ડ નંબર 4માં પાણીની સમસ્યા હવે માત્ર ઓછી પ્રેશરની નથી રહી... પરંતુ પીવાના પાણીમાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભળવાની ગંભીર સમસ્યા બની ગઈ છે!
પાધરિયા અને ઈસ્માઈલનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી નળ ખોલતા જ ચોખ્ખા પાણીના બદલે ગટરની તીવ્ર દુર્ગંધ મારતું ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, નળ ચાલુ કર્યા બાદ 10થી 30 મિનિટ સુધી અતિ દૂષિત પાણી આવે છે. આ સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ તો ગંદા પાણીની બોટલો ભરીને વોટરવર્ક્સ વિભાગને પુરાવા તરીકે પણ આપી હતી.
29 ઓગસ્ટે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા ત્રણ દિવસ સુધી સફાઈ કરીને હંગામી રાહત આપવામાં આવી... પરંતુ સવાલ એ છે કે—
શું માત્ર ગટર સાફ કરવાથી વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે?
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઇપલાઇનો છે અને તેની નજીકથી ગટરલાઈન પસાર થાય છે. જૂની પાઇપલાઇનમાં વારંવાર લીકેજ અને ભંગાણ થવાને કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે ફરિયાદ થાય, બુમરાણ મચે કે કોર્પોરેટર રજૂઆત કરે... ત્યારે તંત્ર ગટર સાફ કરીને થોડા દિવસનો સંતોષ આપી દે છે. પરંતુ પાણીની લાઈનમાં ક્યાં અને કેમ ભંગાણ થાય છે તેની ઊંડી તપાસ કરીને કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.
એક તરફ લોકોને પહેલેથી જ ઓછા પ્રેશરથી પાણી મળવાની સમસ્યા છે અને હવે એ જ પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળતાં લોકોના આરોગ્ય સામે ગંભીર સવાલ ઊભા થયા છે.
કારણ કે પીવાનું પાણી જીવન આપે છે... પરંતુ જો એ જ પાણી ગટર સાથે ભળી જાય, તો જીવન માટે ખતરો પણ બની શકે છે!
હવે સવાલ એ છે કે,
પાધરિયા અને ઈસ્માઈલનગરના લોકોને ક્યારે મળશે ચોખ્ખું અને સુરક્ષિત પીવાનું પાણી?
અને મનપા તંત્ર હંગામી સફાઈનું રાજકારણ છોડીને કાયમી ઉકેલ લાવશે કે નહીં?
કેમ કે અહીં સમસ્યા માત્ર ગંદા પાણીની નથી... પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલી બેદરકારીની છે!