આણંદ જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને હોટેલ અને રેસ્ટોરન્ટમાં ‘પનીર’ના નામે પીરસાતા એનાલોગ (વેજીટેબલ ફેટ આધારિત પનીર)ના ઉપયોગને લઈને વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રાહકોને સાચી માહિતી મળે અને ખાદ્ય પદાર્થોમાં પારદર્શિતા જળવાઈ રહે તે છે.
તંત્ર દ્વારા તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટ્રીટ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ મેનુ કાર્ડ અને નોટિસ બોર્ડ પર ‘પનીર’ કે ‘એનાલોગ’માંથી કયા પદાર્થનો ઉપયોગ થયો છે તેની સ્પષ્ટ માહિતી દર્શાવે. ઉપરાંત, રસોઈ માટે ઉપયોગમાં લેવાતા તેલ અથવા ઘી વિશે પણ ગ્રાહકોને માહિતી આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન ટાઉન હોલ, વિદ્યાનગર સહિત વિવિધ વિસ્તારોમાં કુલ 84 હોટેલ અને ફૂડ એકમોની તપાસ કરવામાં આવી હતી અને સંચાલકોને જાગૃતિ પણ આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના મોટા પાયે નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમાં અથાણાં, સોસ, ઘી, ખાદ્યતેલ, મસાલા, કોલ્ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ, પેકેજિંગ વોટર અને શ્રીખંડ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. કુલ 66 જેટલા નમૂનાઓને સરકાર માન્ય લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ નિયમોના ભંગ કરનાર એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી ફૂડ સેફ્ટી વિભાગે આપી છે.