વાસદ–બગોદરા હાઇવે પર આવેલ સહયોગ હોટલના પાર્કિંગ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) આણંદ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાર્ક કરાયેલા અશોક લેલેન્ડ ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૬૮૮ પેટીઓ ઝડપી લેવામાં આવી છે. આ દારૂની કુલ કિંમત અંદાજે રૂ. ૧.૫૫ કરોડથી વધુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ તથા અમદાવાદ ઝોનના અધિકારીઓના સુચનાથી આણંદ જિલ્લામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર મોટા વાહનો મારફતે થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે ખાસ પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી આણંદની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સહયોગ હોટલના પાર્કિંગમાં પાર્ક કરાયેલા ટ્રક (નં. MP09 HH 4792)ની તપાસ કરવામાં આવી.
ટ્રકની તપાસ દરમિયાન પાછળના ભાગમાં બનાવટી કવરની આડમાં છુપાવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી માત્રા મળી આવી હતી. કુલ ૬૮૮ પેટીમાં ભરાયેલ દારૂનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો. ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે આ મામલે ટ્રક, દારૂનો જથ્થો તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૧.૫૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી ગુજરાત પ્રતિબંધ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી આણંદની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ તથા સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે તેમજ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ ચાલુ છે.