નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ નાપા-બોરીયાવી રોડ પરથી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટની વિદેશી બીયરના 720 ટીન ઝડપી પાડ્યા છે. પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખસને પકડવા તપાસ હાથ ધરી છે.
LCBને બાતમી મળી હતી કે સિહોલ ગામનો ભાવિન ઉર્ફે ચકો જાદવ સફેદ સ્વિફ્ટ કારમાં બીયરનો જથ્થો ભરી બોરીયાવીથી નાપા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નાપા-બોરીયાવી રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ કારને રોકી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કારમાંથી બીયરના 30 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 720 ટીન હતા. આ જથ્થાની કિંમત રૂ.1,58,400 હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સિહોલના ભાવિનભાઈ ઉર્ફે ચકો પુનમભાઈ જાદવ (ઉંમર 27 વર્ષ)ની ધરપકડ કરી છે. બીયર, મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ.2,78,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં રાજસ્થાનના અંબાલાલ મીણાનું નામ સામે આવ્યું છે. તેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે બોરસદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.