આણંદમાં કોમ્બિંગ નાઈટ દરમિયાન LCBની મોટી કાર્યવાહી: દેશી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે કુખ્યાત આરોપી ઝડપાયો

આણંદમાં કોમ્બિંગ નાઈટ દરમિયાન LCBની મોટી કાર્યવાહી: દેશી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે કુખ્યાત આરોપી ઝડપાયો

નવરાત્રી અને દશેરાના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી કરીને દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 60,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગામડી ઓવરબ્રિજ નીચેથી આરોપીની ધરપકડ

પોલીસને મળેલી બાતમીના આધારે LCBની ટીમે ગામડી ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક્ટિવા પર આવેલા ઈલ્યાસ ઉર્ફે મચ્છી અબ્દુલ શેખને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની તપાસ દરમિયાન કમરમાંથી રૂ. 20,000ની કિંમતની દેશી પિસ્તોલ અને રૂ. 600ની કિંમતના ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

રૂ. 60,600નો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપી પાસેથી દેશી પિસ્તોલ, ત્રણ જીવતા કારતૂસ, રૂ. 20,000ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. 20,000ની કિંમતનું એક્ટિવા જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 60,600 થાય છે. એક્ટિવાનો રજિસ્ટ્રેશન નંબર GJ-23-DN-4229 હોવાનું સામે આવ્યું છે.

આરોપી સામે અગાઉ પાંચ ગંભીર ગુના નોંધાયેલા

પકડાયેલ આરોપીની ઓળખ ઈલ્યાસ ઉર્ફે મચ્છી અબ્દુલહમીદ અબ્દુલ રહીમ શેખ (ઉંમર 41 વર્ષ) તરીકે થઈ છે. પોલીસની માહિતી મુજબ, આરોપી સામે અગાઉ હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિતના પાંચ ગંભીર ગુના નોંધાયેલા છે.

આ મામલે આણંદ ટાઉન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ઝાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન અસામાજિક તત્ત્વો અને ગેરકાયદેસર હથિયારો સામે પોલીસની કાર્યવાહીથી ગુનાખોરી પર અંકુશ લાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે.