આણંદ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પોલ ગમે ત્યારે ધરાશાયી થઇ જવાની સ્થિતિમાં માંડ ટકેલા જોવા મળે છે. વીજ તંત્રની જે તે સબ ડિવિઝનની મોનેટરીંગ ટીમ દ્વારા સમયાંતરે વીજ પોલની ચકાસણી થતી હોવા છતાંયે સીધી નજરે જોવા મળે તેવી ક્ષતિ દૂર કરવાની દિશામાં કોઇ કામગીરી કરવામાં આવી નથી.
આણંદ જિલ્લામાં પણ થોડા સમય અગાઉ ફૂંકાયેલા તોફાની વાવાઝોડા સાથેના માવઠાંએ સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. આ તોફાની માહોલમાં ખાસ કરીને વીજ થાંભલા, વીજ વાયરો સહિત ડીપી તૂટી પડવાના કારણે અનેકો વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ છવાયો હતો. જો કે વીજ કંપનીની ટીમોએ રાત-દિવસ જહેમત કરીને વીજ સપ્લાય પુન: કાર્યાન્વિત કર્યો છે.
બીજી તરફ શહેરોમાં ખાસ કરીને રહેણાંક વિસ્તારો, ધમધમતા માર્ગો પરના જીર્ણ હાલતમાં ફેરવાયેલા વીજ પોલને બદલવા તરફે સંલગj ડિવિઝનની વીજ ટીમનું ધ્યાન ન જઇ રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે. શહેરના ૧૦૦ ફુટ રોડ પરની નર્સરી પાસે, કલ્પના ટોકીઝ નજીક, ગંગદેવનગર પાસે, ૮૦ ફુટ રોડ સહિતના સ્થળોએ વીજ પોલ મૂળમાંથી કટાઇ ગયાનું, જોખમી રીતે ઢળી ગયા હોવા સહિતની ક્ષતિઓ જોવા મળે છે. જો કે કલેકટર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી સત્વરે નિપટાવવા વીજ તંત્ર સહિતના વિભાગોને સૂચના આપી છે. પરંતુ આ સૂચનાના અમલના ભાગરુપે શહેરમાં ક્ષતિગ્રસ્ત વીજપોલ મામલે નકકર કાર્યવાહી થઇ રહી નથી. જેથી સંભવત: ભારે પવન કે વરસાદમાં આ વીજ પોલ ધરાશાયી થવાની ઘટનામાં વીજ પુરવઠો ખોરવાઇ જવાની સાથે અકસ્માત સર્જાવવાની ભીતિ પણ વ્યકત થઇ રહી છે. આ ગંભીર મામલે પૃચ્છા કરતા સુપ્રિ. એન્જિનીયર વિભાગ દ્વારા જણાવાયું હતું કે, શહેરના શાસ્ત્રી સબ ડિવિઝન, સરદાર બાગ સબ ડિવિઝન સહિતના ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત વીજ પોલને સત્વરે સલામતભરી કામગીરી કરવા માટે નિર્દેશ કરાશે.
આણંદમાં કેટલાક વિસ્તારોમાં વીજ પોલ જોખમી સ્થિતિમાં
આણંદમાં કેટલાક વિસ્તારોમાં વીજ પોલ જોખમી સ્થિતિમાં