આણંદ, રવિવાર :સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે આણંદમાં લોકશાહીના પર્વની ઉજવણી વહેલી સવારથી જ ઉત્સાહભેર શરૂ થઈ હતી. આ દરમિયાન આણંદના કરમસદ વિદ્યાનગર રોડ ઉપરની શ્રી મગનભાઈ પી. ઓઝા પ્રાથમિક શાળામાં ઊભા કરાયેલ મતદાન મથક ખાતે પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. આશરે ૭૫ વર્ષથી વધુની વય ધરાવતા વૃદ્ધ મહિલા મતદાર પુંજીબેન પરમાર, વધતી ઉંમર અને શારીરિક અશક્તતાને કારણે ચાલી શકવા માટે અસમર્થ હોવા છતાં, મતાધિકારની પવિત્ર ફરજને અદા કરવા લાકડીના સહારે પોતાની પુત્રવધૂ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.
પુંજીબેનની લોકશાહી પ્રત્યેની આ નિષ્ઠા જોઈને ત્યાં ગેટ પર તૈનાત પોલીસ જવાન દ્વારા ત્વરિત સેવા અને માનવતા દાખવી પુંજીબેનને વ્હીલચેર પર બેસાડી સલામત રીતે મતદાન રૂમની બહાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પુંજીબેને આ ઉંમરે પણ મતદાન કરીને સાબિત કર્યું છે કે લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય છે. તેમની આ સક્રિયતા આજના યુવા મતદારો અને અન્ય નાગરિકો માટે એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. .