આણંદ શહેરમાં હાલ ચાલી રહેલી IPL T20 ક્રિકેટ મેચ દરમિયાન સટ્ટાબાજી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આણંદ ગંજ બજાર વિસ્તારમાં રેઈડ કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી મોબાઈલ ફોન દ્વારા વોટ્સએપ ગ્રુપ મારફતે IPL મેચ પર પૈસાની હારજીતનો સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલ આરોપી જગદીશભાઈ હરમાનભાઈ ઝાલા (ઉ.વ. 42), શાંતિકુંજ સોસાયટી, ગણેશ ચોકડી, આણંદનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન તપાસતા “Dream 11” અને “All Match Price” નામના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા, જેમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચના રેટ અને સટ્ટાની માહિતી આપવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપી આ ગ્રુપમાં જોડાઈ ઓનલાઈન સટ્ટાબાજી કરતો હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં અન્ય બે આરોપી યોગેશ ગોહિલ અને સીપી રીયાસની પણ સંડોવણી સામે આવી છે, જેમની શોધખોળ ચાલુ છે.|
પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. 6,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરી અને તેમની એલ.સી.બી. ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.