આણંદમાં ‘હર ઘર જલ’... પણ શું દરેક ઘરમાં ખરેખર પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે?
સરકારી દાવાઓ કહે છે કે યોજના હેઠળ 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સરકારી ઓડિટ રિપોર્ટમાં સામે આવેલી હકીકત આ દાવા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
ક્યાંક પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ મર્યાદા બહાર છે, તો ક્યાંક નળનું પાણી એટલું ખારું છે કે મહિલાઓને પાણી માટે હેન્ડપમ્પ સુધી જવું પડે છે.
સૌથી ગંભીર બાબત સામે આવી છે ઉમરેઠ તાલુકામાં.
પ્રાદેશિક જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત ન હોવાથી અહીં મોટાભાગે ભૂગર્ભજળ પર આધાર રાખવો પડે છે.
વર્ષ 2022-23માં તપાસાયેલા 649 નમૂનાઓમાંથી 328 એટલે કે 50.54 ટકા સેમ્પલમાં નાઇટ્રેટનું પ્રમાણ મર્યાદા બહાર હતું.
અને વર્ષ 2023-24માં સ્થિતિ વધુ ગંભીર બની.
341માંથી 194 એટલે કે 56.89 ટકા સેમ્પલમાં નાઇટ્રેટનું પ્રમાણ મર્યાદા બહાર હોવાનું ઓડિટમાં સામે આવ્યું.
ઓડિટ દરમિયાન આણંદના પસંદગીના ગામોમાંથી લેવાયેલા 15 પાણીના નમૂનાઓમાંથી તમામ 15 નમૂના પીવા માટે અયોગ્ય જણાયા. જ્યારે પરવાનગીપાત્ર મર્યાદા મુજબ પણ 6 નમૂના એટલે કે 40 ટકા સેમ્પલ અયોગ્ય ઠર્યા.
હવે વાત કરીએ તારાપુરના ઊંટવાડા ગામની.
સરકારી દાવા પ્રમાણે અહીં ઘરેલુ નળ જોડાણ આપવામાં આવ્યું છે.
પરંતુ નળમાંથી આવતા પાણીમાં TDSનું પ્રમાણ 1,626 જેટલું નોંધાયું.
પરિણામે...
નળ ઘરમાં છે, પણ પાણી માટે મહિલાઓ 100થી 200 મીટર દૂર આવેલા હેન્ડપમ્પ સુધી જવા મજબૂર છે.
આટલું જ નહીં, બુધેજ, અહિયા, અરડી, આસોદર, ભેટાસી વંતા અને વરાસડા જેવા ગામોમાં પણ પાણીમાં હાર્ડનેસ, ટર્બિડિટી અને TDSનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે.
હવે સવાલ માત્ર પાણીની ગુણવત્તાનો નથી...
યોજનાના અમલનો પણ છે.
આણંદ જિલ્લામાં 357 ગામમાંથી માત્ર 100 ગામમાં એટલે કે 28.01 ટકા ગામમાં જ વિલેજ એક્શન પ્લાન તૈયાર કરાયો હતો.
સરકારી રેકોર્ડમાં પણ વિસંગતતા સામે આવી છે. ડબલ્યુએએસએમઓ અને જીડબલ્યુએસએસબીના રેકોર્ડમાં જિલ્લામાં 357 ગામ, જ્યારે પંચાયતના રેકોર્ડમાં 363 ગામ નોંધાયેલા છે.
એટલે સરકારી રેકોર્ડમાં જ 6 ગામનો તફાવત!
જિલ્લાના 1,035 પીવાના પાણીના સ્ત્રોતમાંથી માત્ર 358 એટલે કે 34.59 ટકા સ્ત્રોતોનું જ જીઓ-ટેગિંગ થયું હતું.
અને પાણીના સેમ્પલની વાત કરીએ તો આણંદમાં 10,690 સેમ્પલની તપાસ કરાઈ, પરંતુ ઈ-જળશક્તિ પોર્ટલ પર માત્ર 2,156 એટલે કે 20.2 ટકા સેમ્પલનો ડેટા અપલોડ થયો.
ફરિયાદોની સ્થિતિ પણ સવાલો ઊભા કરે છે. વર્ષ 2020-21થી 2023-24 દરમિયાન પાણી પુરવઠા અંગે 272 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 96 ફરિયાદોનો નિકાલ 7 દિવસની નિયત સમયમર્યાદા બાદ થયો.
અને હવે આવે છે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો.
14 ગામમાં ડીપીઆર અને દેખરેખ માટે કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ 6 ગામમાં કામ શરૂ જ થયું નહોતું, જ્યારે બાકીના 8 ગામમાં કામ શરૂ થયા છતાં ડિસેમ્બર 2024 સુધી એક પણ કામ પૂર્ણ થયું નહોતું.
ઓડિટમાં ટેન્ડરની શરતો કરતાં વધુ ઘનતાવાળા PVC પાઇપ અને ભાવ ગણતરીને લઈને પણ કોન્ટ્રાક્ટરોને વધુ ચુકવણી થયાની બાબત સામે આવી હતી, જે બાદ વસૂલાત કરવામાં આવી.
આ ઉપરાંત એસઓઆરમાં GSTનો દર 18 ટકાના બદલે 12 ટકા ગણાવી આણંદ, દાહોદ અને ગાંધીનગરના 26 કામોના અંદાજ ઊંચા દર્શાવવામાં આવ્યા હોવાની પણ નોંધ ઓડિટમાં કરવામાં આવી છે.
એટલે હવે સૌથી મોટો સવાલ...
કાગળ પર ‘હર ઘર જલ’ 100 ટકા... તો પછી આણંદના ગામોમાં પીવાનું શુદ્ધ પાણી ક્યાં છે?
નળ પહોંચાડવો એ એક વાત છે...
પણ નળમાંથી ખરેખર પીવાલાયક પાણી પહોંચે, એ જ ‘હર ઘર જલ’ની સાચી સફળતા છે.