આણંદના લોટિયા ભાગોળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દૂષિત પીવાનું પાણી આવતું હોવાની ફરિયાદો સામે આવી છે. જેના કારણે લોટિયા ભાગોળ સહિત આસપાસની 30થી વધુ સોસાયટીઓના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રહીશોનો આક્ષેપ છે કે વિસ્તારમાં બે જગ્યાએ પાણીની લાઈનમાં લીકેજ થયું છે અને તેમાં ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે. જેના કારણે ઘરોમાં આવતું પાણી પીવાલાયક રહ્યું નથી.
સમસ્યાની જાણ થતાં આણંદ મનપાની ટીમે લોટિયા ભાગોળ પોલીસ ચોકી પાસે ખોદકામ કરીને લીકેજ શોધવાની કામગીરી હાથ ધરી હતી. જોકે કલાકોની જહેમત બાદ પણ લીકેજનું ચોક્કસ સ્થળ મળી શક્યું નથી.
બીજી તરફ, ‘નલ સે જલ’ યોજના હેઠળ આશરે 80 કરોડ રૂપિયાના ખર્ચે નવી પાણીની પાઈપલાઈન નાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ રહીશોના જણાવ્યા પ્રમાણે ગામતળ વિસ્તારમાં હજુ પણ જૂની પાઈપલાઈનો બદલવામાં આવી નથી.
આ જ જૂની લાઈનોના કારણે દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શુક્રવારે સવારે નિયત સમયે પાણીનો પુરવઠો ન મળતાં રહીશોને પીવાના પાણી માટે ભારે રઝળપાટ કરવો પડ્યો હતો. સાથે જ દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે.
મનપાની ટીમે લીકેજ શોધવા માટે ખોદકામ કર્યું હતું, પરંતુ કામ પૂર્ણ થયા બાદ ખાડા ખુલ્લા જ છોડી દેવાયા હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે.
હવે સવાલ એ છે કે ₹80 કરોડની નવી પાઈપલાઈનનું કામ ક્યારે પૂર્ણ થશે? અને લોટિયા ભાગોળના લોકોને દૂષિત પાણીની સમસ્યામાંથી ક્યારે કાયમી રાહત મળશે?
રહીશો હવે મનપા તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.