આણંદમાં દબાણનો દબદબો!

આણંદમાં દબાણનો દબદબો!

આણંદના મુખ્ય બજાર વિસ્તારમાં દબાણનો દબદબો જોવા મળી રહ્યો છે.

સ્ટેશન વિસ્તાર, જૂના બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ અને ટૂંકી ગલી સહિતના મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા અને પથારાઓના દબાણને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આણંદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ હજારો લોકો ખરીદી માટે આ વિસ્તારમાં આવે છે. પરંતુ રસ્તા પર ઉભી રહેતી લારીઓ અને પથારાઓને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો છે.

અરજદારો દ્વારા વધુ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક કર્મચારીઓ અને વચેટિયાઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવે છે અને લારી-ગલ્લાવાળાઓને દિવાળી સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

આ ઉપરાંત આક્ષેપ છે કે કેટલાક દુકાનદારો પોતાની દુકાન આગળની સરકારી જગ્યાઓ ફેરીયાઓને ભાડે આપે છે અને તેના બદલામાં રોજના રૂ.500થી રૂ.1,000 સુધીનું ભાડું વસૂલવામાં આવે છે.

જો આ આક્ષેપો સાચા હોય તો સવાલ એ થાય કે સરકારી જગ્યા પર ખાનગી કમાણી કેવી રીતે થઈ શકે?

સ્થાનિકોનું કહેવું છે કે દબાણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ફરીથી એ જ સ્થિતિ સર્જાઈ જાય છે. અગાઉ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ માત્ર કાગળ પર નિકાલ બતાવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હવે અરજદારો દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ અને શહેરી વિકાસ મંત્રાલયમાં લેખિત રજૂઆત કરી કાયમી ઉકેલ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવનાર છે.

તો સવાલ સીધો છે—

આણંદના રસ્તા જનતા માટે છે કે દબાણકારો માટે?

અને જો કાર્યવાહી થાય છે તો દબાણ ફરીથી ઊભા કેમ થઈ જાય છે?