આણંદમાં બોગસ પેઢીનામું બનાવી પાલિકાની દુકાન પચાવી પાડવાનો આરોપ!

આણંદમાં બોગસ પેઢીનામું બનાવી પાલિકાની દુકાન પચાવી પાડવાનો આરોપ!

આણંદમાં બોગસ પેઢીનામું બનાવી પાલિકાની દુકાન પચાવી પાડવાનો આરોપ!

મિલકતના વારસદારોના નામ છુપાવી ભાડાપટ્ટાની દુકાન અન્યના નામે ટ્રાન્સફર કરાવવાના મામલે આણંદ ટાઉન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.


મળતી માહિતી મુજબ, આણંદના પૂર્વ કાઉન્સિલર અને જાણીતા આગેવાન ઉસ્માનભાઈ મેમણ બંગડીવાળાનું વર્ષ 2021માં અવસાન થયું હતું. તેમના અવસાન બાદ કોઈ વસિયતનામું કે મિલકત વહેંચણી કરાર કરવામાં આવ્યો ન હતો.


આ દરમિયાન તેમના પુત્ર મહંમદ મેમણે નોટરી સમક્ષ સોગંદનામું રજૂ કરીને પેઢીનામું તૈયાર કરાવ્યું હોવાનો આરોપ છે. આ પેઢીનામામાં ઉસ્માનભાઈની બીજી પત્ની રોશનબેન અને પુત્ર ફરહાનના નામ જાણીજોઈને છુપાવવામાં આવ્યા હોવાની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.


આ જ બોગસ પેઢીનામાના આધારે પાલિકાની ભાડાપટ્ટાની દુકાન યાસ્મીનબેનના નામે ટ્રાન્સફર કરાવવામાં આવી હોવાનો આરોપ છે.


જોકે, RTI મારફતે સમગ્ર મામલો સામે આવતા ફરહાન મેમણ ચોંકી ઉઠ્યા હતા. પોતાનું નામ કાયદેસરના વારસદાર તરીકે હોવા છતાં પેઢીનામામાં નામ દર્શાવવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યા બાદ તેમણે આણંદ ટાઉન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.


ફરહાન મેમણની ફરિયાદના આધારે પોલીસે ઇરફાન મેમણ બંગડીવાળા અને જાવેદ મેમણ બંગડીવાળાની ધરપકડ કરી છે.


જ્યારે યાસ્મીનબેન મેમણ, સમીરાબાનું મેમણ, ઉઝમા અને તસ્લીમ સહિતના વારસદારો તેમજ પેઢીનામામાં પંચ તરીકે ખોટી સહીઓ કરનાર ઇમરાનભાઈ વહોરા, ઓવેશમહંમદ વહોરા અને તોફીકભાઈ મન્સુરી સહિત અન્ય લોકોની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

બોગસ પેઢીનામું કોના કહેવાથી તૈયાર થયું અને પાલિકાની દુકાન ટ્રાન્સફર કરાવવામાં વધુ કોણ-કોણ સંડોવાયેલું છે? હવે પોલીસ તપાસમાં આ સવાલોના જવાબ સામે આવવાના બાકી છે.